AI અને ગેમિંગ કંપનીઓ પણ દાયરામાંઃ આવતા વર્ષના નવેમ્બરથી અમલની શક્યતા
સંચાર મંત્રી અનિકા વેલ્સે નવા ડિજિટલ કાયદાની સરખામણી વાહનોના સીટ બેલ્ટના નિયમ સાથે કરી
- Advertisement -
યુઝર્સને અલ્ગોરિધમ દ્વારા સૂચવાતી પોસ્ટ્સ અને વીડિયો જોવાની પસંદગીનો ખાસ અધિકાર મળશે
ઓસ્ટ્રેલિયા સરકારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ કંપનીઓ માટે નવો કાયદો ઘડયો છે, જે અંતર્ગત કંપનીઓએ ફેક ન્યૂઝ અને નુકસાનકારક સામગ્રી જાતે દૂર કરવી પડશે. આ નિયમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), AI ચેટબોટ અને ગેમિંગ કંપનીઓ પર પણ લાગુ થશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ પર ₹૧૦૦૦ કરોડ સુધીનો દંડ લગાવી શકાશે. સરકારના જણાવ્યા મુજબ, આ કાયદાનો હેતુ ઇન્ટરનેટ પર લોકો અને ખાસ કરીને બાળકોને નુકસાનકારક સામગ્રીથી સુરક્ષિત રાખવાનો છે. ‘ડિજિટલ ડ્યૂટી ઑફ કેર’ નામના આ કાયદા હેઠળ કંપનીઓએ માત્ર ફરિયાદની રાહ જોયા વિના પોતાના પ્લેટફોર્મ પર નુકસાનકારક સામગ્રી રોકવા અગાઉથી વ્યવસ્થા કરવી પડશે. તેમાં મહિલાઓ વિરુદ્ધ નફરત ફેલાવતી પોસ્ટ્સ, હિંસા, જોખમી સ્ટન્ટ્સ, ડીપફેક અને બાળકોને નુકસાન પહોંચાડતી સામગ્રીનો સમાવેશ થાય છે. કંપનીઓએ પ્લેટફોર્મની ડિઝાઈન અને અલ્ગોરિધમથી થતા જોખમો પણ ઘટાડવા પડશે, જ્યારે યુઝર્સને અલ્ગોરિધમ દ્વારા સૂચવાતી પોસ્ટ્સ અને વીડિયો જોવાની પસંદગીનો અધિકાર મળશે. આ કાયદો આવતા વર્ષના નવેમ્બરથી લાગુ થઈ શકે છે, જેમાં સોશિયલ મીડિયા, ગેમિંગ, AI અને AI ચેટબોટ કંપનીઓ આવરી લેવાશે. ઉલ્લંઘન બદલ કંપનીના વૈશ્વિક કારોબારની આવકના ૫ ટકા અથવા ૧૦.૯૨ કરોડ ઑસ્ટ્રેલિયન ડોલરમાંથી જે વધુ હોય તે દંડ વસૂલી શકાશે, જોકે નાના અને ઓછા જોખમવાળા વ્યવસાયોને છૂટ મળી શકે છે.
સંચાર મંત્રી અનિકા વેલ્સે આ કાયદાની સરખામણી વાહનોમાં સીટ બેલ્ટ ફરજિયાત કરવા અને સિગારેટના સાદા પેકિંગ સાથે કરતા કહ્યું કે લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે અને ઈન્ટરનેટ કંપનીઓએ પણ જવાબદારી લેવી પડશે. ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી ઓછી વયના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. વૈશ્વિક સ્તરે યુરોપિયન યુનિયન અને બ્રિટનમાં પ્લેટફોર્મના જોખમો ઘટાડવા તથા ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવાના નિયમો છે, જ્યારે ભારતમાં આઈટી નિયમો હેઠળ સમયમર્યાદામાં ફરિયાદ નિવારણ અને કન્ટેન્ટ દૂર કરવાની જોગવાઈ છે. ઓસ્ટ્રેલિયાના નવા કાયદામાં નુકસાનકારક સામગ્રી હટાવવાની સાથે તેને પહેલેથી રોકવાની વ્યવસ્થા ફરજિયાત બનાવાઈ છે.



