ગુજસીટોકમાં સંડોવાયેલ શામજી મક્કા ગેંગના સાગરીત સહીત બેની શોધખોળ
થોરાળા પોલીસમાં ફરિયાદ : જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
- Advertisement -
રાજકોટના થોરાળામાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ યુવક પર હુમલો કરી છરીનો એક ઘા ઝીકી દેતા તે જીવલેણ સાબિત થયો છે નવા થોરાળાના ગોકુળપરામાં પાનના ગલ્લે ફાકી લેવા ગયેલા યુવક સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ ઝઘડો કર્યા બાદ ઢીકાપાટુનો માર મારી છરી કાઢી યુવકની છાતીના ઉપરના ભાગે ગળાની નીચેના ભાગમાં ઘા ઝીંકી દીધો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો થોરાળા પોલીસે અગાઉ નોંધેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરી હત્યા કરી નાસી છૂટેલા શામજી મક્કા ગેંગના સાગરીત સહીત બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.રાજકોટના નવા થોરાળાના અવધ પાર્ક વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા મુકેશભાઈ જેન્તીભાઇ ચાવડાએ 19 વર્ષીય પુત્ર જયેશભાઈ ચાવડાની હત્યા કરનાર આ જ વિસ્તારના ધવલ વિજયભાઈ મકવાણા અને જયવીન નટુભાઈ ગોહેલ સામે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 27 નવેમ્બરની રાત્રે ગોકુળપરા શેરી નં. 4માં સિદ્ધાર્થ પાનના ગલ્લે તેના મિત્રો હિમાંશુ ખીમસુરિયા અને સંજય સાથે ઊભો હતો. આ દરમિયાન અગાઉ આશરે ત્રણ મહિના પહેલાં જયેશ સાથે ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખી ધવલ ઉર્ફે ટકો વિજય મકવાણા અને જયવિન નટુભાઈ ગોહેલ એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યા હતા બંનેએ જયેશને જોઈ એક્ટિવા ઊભું રાખ્યું હતું અને જૂના ઝઘડાની અદાવત રાખી તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. જયેશે બોલાચાલી કરવાની ના પાડતાં બંને ઉશ્કેરાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ધવલ ઉર્ફે ટકાએ પોતાના નેફામાંથી છરી કાઢી જયેશની છાતીના ઉપરના ભાગે ગળાની નીચેના ભાગમાં એક ઘા ઝીંકી દીધો હતો છરીનો ઘા વાગતાં જયેશ લોહીલુહાણ થઈ જતાં બંને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બીજી તરફ, જયેશને છરી વાગ્યાની જાણ તેના પરિવારજનોને તેના મિત્ર કરણ સરવૈયાએ કરી હતી જેથી પિતા મુકેશભાઈ અને મોટો પુત્ર નિખિલભાઈ તાત્કાલિક ગોકુળપરા ખાતે પહોંચ્યા હતા જોકે, જયેશને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને આ બનાવ અંગે થોરાળા પોલીસે રાત્રે જ જયેશના પિતા મુકેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ધવલ ઉર્ફે ટકો મકવાણા અને જયવિન ગોહેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.જોકે, ગંભીર ઇજાના કારણે સારવાર હેઠળ રહેલા જયેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી હત્યાના બનાવને પગલે પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જયેશ ચાવડા બે ભાઈ અને એક બહેનના પરિવારમાં વચેટ પુત્ર હતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો જુવાનજોધ પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે બીજી તરફ હત્યા નિપજાવી નાસી છૂટેલા શામજી મક્કા ગેંગના સાગરીત સહીત બંનેની શોધખોળ હાથ ધરી છે.




