લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં વેપારીઓએ સ્કેનર હટાવ્યાં, વેપારીઓ કેશ જ સ્વીકારશે
પેમેન્ટ પર પ્રસ્તાવિત ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે રાજકોટના વિવિધ વેપારી એસોસિયેશનો અને વેપારીઓ દ્વારા આજે ‘નો-UPI પેમેન્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અનેક બજારોમાં વેપારીઓએ UPI પેમેન્ટ સ્વીકારવાનું ટાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગ્રાહકોને UPI મારફતે ચુકવણી ન થાય તે માટે દુકાનો પર રાખવામાં આવેલા UPI સ્કેનરનો આજે ઉપયોગ કરવામાં આવ્યો નથી. કેટલાક વેપારીઓએ સ્કેનર ગ્રાહકોની નજર સમક્ષ ન રાખીને રોકડ ચુકવણી કરવા અપીલ કરી હતી.
રાજકોટના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંડાવાડી મેઇન રોડ, ઘી કાંટા રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં વેપારીઓએ આ અભિયાનને સહયોગ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે UPI પેમેન્ટનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી અચાનક રોકડ ચુકવણી તરફ વળવાથી ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ખાસ કરીને યુવા વર્ગ રોજિંદા વ્યવહારોમાં UPIનો વધુ ઉપયોગ કરે છે. બજારમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઊંચું હોવાથી આજે ખરીદી કરવા નીકળેલા લોકોને રોકડ સાથે રાખવાની ફરજ પડી શકે છે. વેપારીઓનું કહેવું છે કે MDR લાગુ થવાથી તેમના વ્યવસાયના ખર્ચમાં વધારો થઈ શકે છે અને નાના વેપારીઓ પર તેની અસર પડી શકે છે. આ મુદ્દે રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ વેપારી સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.




