ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ સ્ટેશનની સુવિધાઓ ચકાસી; નુક્કડ નાટક દ્વારા સ્વચ્છતા જાગૃતિ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ૬.૦ અંતર્ગત ડિવિઝનના તમામ ૫૩ રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર
સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે સેવાઓ, સ્વચ્છતા અને મુસાફર સુવિધાઓ અંગે લોકો સાથે સીધો સંવાદ સાધીને સૂચનો મેળવવાનો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. રાજકોટ સ્ટેશન પર ડીઆરએમ ગિરિરાજ
કુમાર મીનાએ મુસાફરો સાથે રૂબરૂ ચર્ચા કરીને સ્ટેશનની વ્યવસ્થાઓ અંગે ફીડબેક મેળવ્યો હતો. આ ઉપરાંત વિવિધ ટ્રેનોમાં ટીટીઈ સ્ટાફ દ્વારા મુસાફરો પાસેથી સ્વચ્છતા અંગે અભિપ્રાય લેવાયા હતા. મુસાફરોમાં જાગૃતિ
કેળવવા માટે કાર્મિક વિભાગ દ્વારા શેરી નાટક (નુક્કડ નાટક) પ્રસ્તુત કરી કચરાના યોગ્ય નિકાલ માટે પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે સિનિયર ડીપીઓ અમૃત સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝનના
એડીઆરએમ બ્રિજેશ કુમાર સિંહ તેમજ વિવિધ શાખાના અધિકારીઓએ ભક્તિનગર, જામનગર, હાપા, ખંભાળિયા, દ્વારકા, ઓખા, વાંકાનેર, મોરબી, થાન અને સુરેન્દ્રનગર સહિતના સ્ટેશનો પર મુસાફરો સાથે સંવાદ સાધી
સમસ્યાઓ જાણી હતી. ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, મુસાફરોના સૂચનોના આધારે સુવિધાઓ અને સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવાશે.




