લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાના કેન્દ્ર અને રાજકોટવાસીઓના દુઃખહર્તા તરીકે પૂજાતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં આજે ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલા શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે દાદાને શુદ્ધ ચાંદીના અતિ કિંમતી અને નયનરમ્ય વસ્ત્રો એટલે કે રજત વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. આ વિશેષ શણગારના દર્શન કરવા
માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. બાલાજી દાદાને અર્પણ કરવામાં આવેલા ચાંદીના વાઘા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો બની રહ્યા હતા. શુદ્ધ ચાંદીમાંથી તૈયાર કરવામાં
આવેલા આ સુંદર વસ્ત્રોના ઝળહળાટ વચ્ચે દાદાનું સ્વરૂપ અત્યંત તેજસ્વી, મનમોહક અને અલૌકિક લાગી રહ્યું હતું. ચાંદીના વાઘાની સાથે દાદાના સુવર્ણ સિંહાસન ફરતે તાજાં રંગબેરંગી ગુલાબ સહિતનાં દેશી-વિદેશી પુષ્પોથી
મનોહર અને સુગંધિત સજાવટ કરવામાં આવી હતી. ચાંદીના વસ્ત્રોની ચમક, સુવર્ણ સિંહાસનની ભવ્યતા અને વિવિધ પુષ્પોની રંગબેરંગી આભાથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ અનોખા શણગારથી
બાલાજી મહારાજનું સ્વરૂપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મંગલમય વિશેષ શણગાર દર્શનનું આયોજન મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી
સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.
બાલાજી હનુમાન દાદાને રજત વસ્ત્રોના દિવ્ય શણગાર : દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી




