દીપોત્સવી પર્વ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા દિવાળીના તહેવારને લઇ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારને લઇ ફટાકડા વેચાણ તેમજ ફોડવા અંગે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા
ફટાકડાના વેચાણ/ફોડવા બાબતે પ્રદૂષણનુ પ્રમાણ વધે નહીં તે બાબતે નિર્દેશો આપવામાં આવ્યા છે જે ધ્યાને લેતા રાજકોટ શહેરમાં ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવા જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ
જાહેરનામું આગામી 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર દરમિયાન લાગુ રહેશે જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્રારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી
આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું
પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તથા કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, કે રાખી શકાશે નહી, કે વેચાણ કરી શકાશે નહી અને ખાસ તમામ ઇ-કોમર્સ
વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર, ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવાળી, દેવ-દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે 8થી 10 વાગ્યા
સુધી ફોડી શકાશે તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11.55થી 12.30 સુધી જ ફોડી શકાશે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમિશનરરેટ સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ,
કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મીક સ્થળો, એરપોર્ટની નજીક 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટન
(ચાઇનીઝ તુક્કલ, આતશબાજી બલૂન) નું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી શકાશે નહી. તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી.




