આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ શહેરના મધ્યમાં વસેલું 123 વર્ષ જૂનું જૂનાગઢ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, પરંતુ ભૂતકાળની ધબકતી યાદો, સાંસ્કૃતિક ધરોહરો અને ઐતિહાસિક તથ્યોનો જીવંત દસ્તાવેજ છે. રાજ્ય સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક કચેરી દ્વારા સંચાલિત જૂનાગઢનું મ્યુઝિયમ પ્રવાસીઓ, સંશોધકો, ઈતિહાસવિદો માટે મહત્વનું સ્થાન છે.
જૂનાગઢ આવતા પર્યટકો આ પુરાણા સંગ્રહાલયની પણ અચૂક મુલાકાત લે છે. એટલું જ નહીં વિદેશી પ્રવાસીઓ પણ આ મ્યુઝિયમને જાણવા અને માણવા માટે આવે છે. વર્ષ 2022થી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ જૂનાગઢ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે. જૂનાગઢ મ્યુઝિયમના ક્યુરેટર ડો.સેફાલીકા અવસ્થી આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવે છે કે, જૂનાગઢ મ્યુઝિયમને વિશિષ્ટ બનાવતો મુખ્ય તત્વ એ છે તેનો વિશાળ અને વૈવિધ્યસભર સંગ્રહ. અહીં ચાંદીના ઝગમગતા આભૂષણો, ઐતિહાસિક હથિયારો, પ્રાકૃતિક રીતે સ્ટફ કરાયેલા જીવો, તૈલચિત્રો, કાચના શિલ્પો, અને વૈશ્વિક કળાનું પ્રતિનિધિત્વ કરતું ઝળહળતું ઝુમ્મર આ બધું એક જ જગ્યાએ જોવા મળે છે. દરબાર હોલમાં સ્થાપિત નવાબ રસુલખાન બાબીનું વિશાળ સ્ટેચ્યુ, શાહી રાચરચીલું તેની શાન વધારે છે. સાંસ્કૃતિકની સાથે પ્રાકૃતિક ધરોહરનો સંગ્રહ ધરાવે છે.
ઉપરાંત ચાંદી, કાચ અને પુરાતત્વીય નમૂનાઓ, હથિયારો,વસ્ત્રો,રાચરચીલું, હોદાપાલખી,સિક્કા,તામ્રપત્ર વગેરે જેવા સાંસ્કૃતિક નમૂનાઓનો સંગ્રહ છે, આ ઉપરાંત પુરાતત્વ અને કલા વિષયોના જુના અને નવા અગત્યના ગ્રંથો સાથેનું સંદર્ભ પુસ્તકાલય પણ ધરાવે છે.



