રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
સાડી સરખી કરવાના બહાને ચોરી કરી ભાડું લીધા વિના ઉતારી મુક્યા
- Advertisement -
ભોગ બનનાર વૃદ્ધાએ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
રાજકોટમાં વધુ એક વખત રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના રૈયા રોડ પર રહેતા વૃદ્ધાને નિશાન બનાવી રીક્ષા ગેંગ દ્વારા અગાઉથી એક મહિલાને બેસાડી બાદમાં ફરિયાદી વૃદ્ધાને બેસાડી થોડે દૂર અન્ય એક મહિલાને બેસાડી બાદમાં બન્ને મહિલાએ સાથે મળી મુસાફરના સ્વાંગમાં સાડી સરખી કરવાના બહાને વૃદ્ધાની નજર ચૂકવી ગળામાંથી ₹ 1.20 લાખની કિંમતનો સોનાનો ચેન સેરવી લેતા હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રૈયા રોડ પર રહેતા 72 વર્ષીય ફરિયાદી વનીતાબેન હસમુખભાઈ જોષીએ જણાવ્યું હતું કે, 13 ઓગસ્ટે બપોરના 12.30 વાગ્યે રૈયારોડ પર ફ્રુટ લેવા ગઈ હતી. ત્યારબાદ 1 વાગ્યા આસપાસ પરત રિક્ષામાં ઘરે આવતી હતી આ સમયે સદભાવના મેડિકલ પાસે રિક્ષામાં બેઠી ત્યારે અગાઉથી જ એક મોટી ઉંમરની મહિલા રિક્ષામાં હતી અને થોડે આગળ જતા અન્ય એક મહિલાને રિક્ષામાં બેસાડી હતી જે બન્ને મહિલાની વચ્ચે હું બેઠી હતી. આ બન્ને અજાણી સ્ત્રીઓ તથા રીક્ષા ચાલક એકબીજાને ઓળખતા હોય તેમ અંદરો-અંદર વાતો કરવા લાગ્યા હતા અને બન્ને અજાણી સ્ત્રીઓ એકબીજાને રાધાબેન તથા કુવરબેનના નામે બોલાવી વાતચીત કરતી હતી. ચાલુ રિક્ષામાં આ બંન્ને મહિલાઓ વારંવાર પોતાની સાડી સરખી કરવાના બહાને મારી તરફ જુકતી હતી. આ દરમિયાન 1.20 લાખની કિંમતનો એક તોલાનો સોનાનો ચેન નજર ચૂકવી નીકાળી લીધો હતો. રિક્ષામાં હતી ત્યારે જ ચેન ગુમ થયાનું માલુમ થતા રીક્ષાની અંદર તથા સાડીના પલ્લુમા તપાસ કરતા ચેન મળ્યો ન હતો આ પછી મારા ઘર પાસે પહોંચતા રીક્ષા ચાલકને રીક્ષા રોકવાનુ કહી સીટમાં સોનાનો ચેન છે કે નહીં તે ચેક કરવા કહેતા રીક્ષા ચાલકે મને મોડુ થાય છે કહી ભાડું લીધા વગર ત્યાથી નાસી છૂટ્યો હતો. હાલ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી મુદામાલ રિકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે.
પાર્સલ મુદ્દે ડિલિવરી બોય, તેના પરિવાર પર ત્રણ શખ્સનો હુમલો : જાનથી મારી નાખીશ કહી ધમકી :આપી આજી ડેમમાં ફરિયાદ
- Advertisement -
રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં પાર્સલ રિટર્ન લેવાના મુદ્દે માથાકૂટ થતાં શખ્સ અને તેના બે પુત્રોએ ડિલિવરી બોય તથા તેના પરિવાર પર હુમલો કર્યાની ફરિયાદ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હુમલામાં ડિલિવરી બોય, તેની માતા અને ભાઈને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ફરિયાદ મુજબ, 28 ઓગસ્ટે શનિભાઈ મચ્છોયા, અમિત વાઘેલાના ઘરે મીશોનું પાર્સલ આપવા ગયા હતા. જોકે, પાર્સલ નહીં લેવાનું જણાવાતા તેમણે પાર્સલ ઓફિસમાં પરત જમા કરાવ્યું હતું. ત્યારબાદ બપોરે અમિત વાઘેલાએ ફોન કરી શ્યામ કિરણ સોસાયટીના ચોકમાં બોલાવ્યા હતા. શનિભાઈ તેના ભાઈ રવિ સાથે સ્થળે પહોંચ્યા હતા. તેમની પાછળ માતા દયાબેન પણ ત્યાં આવી હતી. ફરિયાદ મુજબ, અમિતે શનિભાઈ સાથે ગાળાગાળી કરી હતી. માતાએ ગાળો આપવાની ના પાડતાં અમિતે તેમને ધક્કો મારી પાડી દીધા હતા. ત્યારબાદ અમિતના એક પુત્રએ લોખંડના પાઇપથી દયાબેનને હાથ-પગમાં માર માર્યો હતો. માતાને છોડાવવા વચ્ચે પડેલા રવિને પણ માથામાં પાઈપનો ફટકો મારતાં લોહી નીકળ્યું હતું. દરમિયાન શનિભાઈને અમિતે ઢીકાપાટુનો માર માર્યો હતો અને બીજા પુત્રએ નેફામાંથી છરી કાઢી તેમના જમણા હાથના બાવડામાં ઘા માર્યો હતો. ઈજામાં શનિભાઈને ચાર ટાંકા આવ્યા હતા. અમિતે પોલીસ ફરિયાદ કરીશ તો જીવતો નહીં રહેવા દઈશ તેવી ધમકી આપી હતી.
રાજકોટના એસ.કે. ચોક પાસે ખરીદી કરવા ગયેલા વૃદ્ધાને થયેલો અનુભવ : ખરીદી માટે નીકળેલા વૃદ્ધાના ગળામાંથી દોઢ લાખનો સોનાનો ચેઈન સેરવાયો : સીસીટીવીમાં કેદ બે બુકાનીધારી મહિલાઓની શોધખોળ
રાજકોટમાં ગુનેગારો ઉપર પોલીસની પકકડ ઢીલી પડતા મહિલા ગેંગ સક્રીય થઈ હોય તેમ એસ.કે. ચોકમાં દુકાને ખરીદી કરવા ગયેલા વૃધ્ધાની નજર ચુકવી બે બુકાનીધારી મહિલાઓ સોનાના ચેઈનની ચોરી કરી નાસી ગયાની ઘટના સામે આવી છે. રાજકોટના શીતલ પાર્ક દ્વારકા હાઇટ સોસાયટીમાં રહેતા નિરંજનાબેન છોટાલાલ ખાખરા ઉ.76 શનીવારના રોજ સવારના પોણા બારેક વાગ્યાના સુમારે ગાંધીગ્રામમાં આવેલા એસ.કે. ચોક મેઇન રોડ પર સ્થિત ‘દ્વારકેશ ઝોન’ નામની દુકાને પર્સની ખરીદી કરવા ગયા હતા. તેઓ જયારે દુકાનમાં વસ્તુ ખરીદી કરી તેમના ઘેર આવ્યા હતા. બાદમાં તેમના ગળામાં પહેરેલો દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઈન ગાયબ હોઈ શોધખોળ કરી હતી ત્યારબાદ તેમના પુત્ર યોગેશભાઈએ દ્વારકેશ ઝોન દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા મોં પર કપડું બાંધેલી બે અજાણી મહિલાઓ વૃદ્ધાના ધ્યાન બહાર ગળામાંથી સોનાનો ચેઇન સેરવતી નજરે પડી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી બે મહિલાઓની શોધખોળ કરી છે.
રાજકોટના રૂખડીયાપરામાંથી 32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું : પ્રદ્યુમ્નનગર પોલીસનો દરોડો : નામચીન શખ્સની શોધખોળ
રાજકોટમાં માદક પ્રદાર્થની હેરાફેર નાબુદ કરવાના પોલીસના અભિયાન દરમ્યાન રૂખડીયા પરામાં નામચીન શખસ માદક પદાર્થની હેરાફેરી કરતો હોવાની માહીતીને આધારે પ્રનગર પોલીસે દરોડો પાડયો હતો જેમા મકાનમાંથી 96 હજારની કિંમતની ૩૨ ગ્રામ ડ્રગ્સ મળી આવતા પોલીસે આરોપીની શોધખોળ કરી છે. રાજકોટ રેલવે સ્ટેશન સામે આવેલા રૂખડિયાપરા વિસ્તારમાં એક શખ્સ ઘરમાં એમડી પાવડર રાખી વેચાણ કરતો હોવાની સચોટ બાતમી આધારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ ડી મકવાણાની રાહબરીમાં પીએસઆઈ કોઠીવાર સહિતની ટીમે રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા નામચીન શખ્સના મકાનમાં દરોડો પાડી તપાસ કરતા ગાદલા નીચે છુપાવેલો 96 હજારનો 32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા પીઆઈ એમ. ડી. મકવાણાએ આરોપી શબીર ઉર્ફે લાલો સલીમભાઈ રાઠોડ સામે ગુનો નોધી ઘરે હાજર મળી આવેલ તેની પત્નીની પૂછતાછ કરી શબીરની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની વધુ તપાસમાં આરોપી સામે અગાઉ પણ મારામારી સહીતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય વિશેષ કાર્યવાહી કરી છે.
અટલ સરોવર પાસે માલધારીને મારકૂટ કરી 96 હજારની લૂંટ : બે શંકાસ્પદ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરી
રાજકોટના નવા રિંગ રોડ ઉપર આવેલ અટલ સરોવર પાસે માલઢોર ચરાવતા માલધારીને મારકુટ કરી બે શખસોએ સોનાના ઠોરીયા સહિત 90 હજારની મતાની લૂંટ ચલાવી નાસી જતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન ક્રાઈમ બ્રાંચે ઉપરોક્ત ગુનામાં બે શંકાસ્પદ શખસોને ઉઠાવી લઈ પુછતાછ હાથ ધરી છે. રાજકોટના રૈયા ગામે મફતીયા પરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાઈ કરતા પૂનાભાઈ ખોડાભાઈ બાંભવા અટલ સરોવર પાસે બકરા ચરાવવા ગયા હતા તે દરમ્યાન બપોરે સ્કુટરમાં બે શખસો આવ્યા હતા અને બકરા ખરીદવાની વાત કરી હતી પરત રોડ પર જતા રહ્યા હતા. દરમ્યાન થોડી વારમાં પરત આવી બકરો સાત હજારમાં આપવો છે. જેથી તેને વેંચવાની ના પાડતા ઝઘડો કરી એક શખસે પકડી રાખ્યો અને કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા,રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી નાશી જતા તેના પરીવારને વાત કરી હોસ્પીટલમાં સારવાર કરાવી ફરીયાદ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર જી.એસ.ઝાલા સહીતની ટીમે પૂનાભાઈની ફરીયાદ ઉપરથી બે શખસો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાંચે ઉપરોક્ત ગુનામાં સામેલ બે શંકાસ્પદ શખસોને ઉઠાવી લઈ પુછતાછ હાથ ધરી છે.
કણકોટ પાસે સામું જોવા બાબતે ઝઘડો કરી યુવકના 92 હજારના સોના – ચાંદીના દાગીનાની લૂંટ : છરી દેખાડી ઘોદા મારી દેતા વાર નહિ લાગે તેવી ધમકી આપી ત્રિપુટી ફરાર
રાજકોટમાં ગુનેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેમ ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે કાલાવડ રોડ પર આવેલ કણકોટ ગામ પાસે યુવકને સામું જોવા બાબતે આંતરી છરીની અણીએ 92 હજારના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ત્રિપુટી નાસી જતા તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટના આણંદપર બાઘી ગામના પાદરમા રહેતાં અને માલ ઢોર ચરાવી પરિવારનુ ગુજરાન ચલાવતા દેવજીભાઈ મોહનભાઈ જખાનીયા ઉ.35એ ત્રણ અજાણ્યા શખ્સ સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.05 ના તેમના દિકરાની માનતા પુરી કરવાની હોય જેથી તે અને તેમનો ભાણેજ મેહુલ એક્ટીવા લઈ રાજકોટ કણકોટ ગામ ખાતે રહેતા ભાણેજ કિશનના ઘરે જતા હતા ત્યારે કણકોટ ગામ પહેલા કાલાવડ રોડ ઉપર પહોચતા એક એક્સેસનો ચાલક તેની આગળ થતા તેની સામે જોવાય ગયેલ હોય જેથી તે શખ્સે મારી સામે કેમ જોયુ તેમ કહી ગાળો ભાંડી ગાડી સાઇડમા ઉભી રાખવા જણાવેલ હતુ પરંતુ ભુલથી જોવાય ગયેલ છે તેમ કહી બાઈક આગળ ચલાવવા લાગેલ પરંતુ તે શખ્સે તારૂ કામ છે તેમ કહેતા યુવકે બાઈક રોડની સાઇડમા ઉભુ રાખેલ અને તે શખ્સ પણ પોતાનુ બાઈક રોડની સાઇડમા ઉભુ રાખી કોઇને ફોન કરી બોલાવતા બીજા બે શખ્સ આવી ગયા હતા તે ત્રણેય શખ્સએ ગાળો બોલી માર મારતા ભાણેજ ડરી જતા તે ત્યાથી ભાગી ગયેલ અને યુવક પણ નજીકમા આવેલ હોટલ પર જતો રહેલ પરંતુ ત્યાં પણ આ ત્રણેય શખ્સોએ ત્યાં ધસી આવી ધમકાવી માર મારતા ત્યા માણસો ભેગા થતા તેમને વધુ મારથી બચાવેલ અને એક શખ્સે છરી બતાવી છરીના ઘા ઝીંકી દેતાં વાર નહી લાગે તેમ બોલતો હતો, પરંતુ ત્યા ભેગા થયેલ માણસોએ પકડી લેતા તેને છરી પાછી મુકી દિધેલ હતી બાદમાં એક શખ્સે પાછળથી યુવકને પકડી લીધેલ અને અન્ય શખ્સે પણ વાળ પકડી ખેંચી ત્યાથી દુર લઈ જઈ એક શખ્સે માર મારવાનું ચાલું રાખી અન્ય શખ્સે છરી બતાવી યુવકના હાથમા રહેલ ચાંદીનુ 500 ગ્રામનુ કડુ બળજબરીથી કાઢી લીધેલ તેમજ અન્ય શખ્સે પણ કાનના ઉપરના ભાગે પહેરેલ આશરે ત્રણ ગ્રામની સોનાની કડી જે ખેંચી લેતા નિકળી ગયેલ અને કાનમાથી લોહી નિકળવા લાગેલ હતું ત્રણેય શખ્સો ચાંદીનુ કડુ તથા સોનાની કડીની લુંટ કરી બાઈકમાં નાસી છૂટ્યા હતાં. જે બાદ યુવકે પોલીસમાં અરજી આપી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી.જી.આલ અને ટીમે સીસીટીવી આધારે લૂંટારુ ત્રિપુટીને પકડવા દોડધામ શરુ કરી છે.
કોટડાસાંગાણીના અરડોઇ ગામે હાથ અડી જવા મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ : સરપંચ તેના પુત્ર, પત્ની સહીત આઠ શખ્સો વિરુદ્ધ સામસામે ફરિયાદ
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના અરડોઇ ગામે સામુ જોવા મામલે મારામારીની ઘટના બની હતી આ બનાવમાં ગામના સરપંચ તેના પુત્રો સહિત ચારને ઇજા પહોંચતા સામસામી 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોટડાસાંગાણીના અરડોઈ ગામે રહેતા રમેશભાઈ મેઘજીભાઈ પરમાર ઉ.44એ ગામના સરપંચ નરસિંહ ખોડાભાઈ ગજેરા, પ્રશાંત ઉર્ફે ભૂરો નરસીભાઇ ગજેરા, દિવ્યેશ નરસીભાઈ ગજેરા અને રસીલાબેન નરસીભાઈ ગજેરા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે ગામના બસ સ્ટેન્ડ પાસે કાળુભાઈ ભરવાડની પાનની દુકાને માવો ખાવા ગયો હતો ત્યારે સરપંચનો પુત્ર પ્રશાંત ઉર્ફે ભુરાને હાથ અડી જતા તેણે ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા જેથી આવું ન બોલવાનું કહેતા ઉશ્કેરાય કોઈને ફોન કરતા થોડીવારમાં ત્યાં સરપંચ નરસી ગજેરા, દિવ્યેશ અને તેની પત્ની રસીલા લાકડી લઈ ધસી આવ્યા હતા લાકડી પ્રશાંતએ લઈ પિતા-પુત્રોએ મળી લાકડી વડે યુવાનને માર માર્યો હતો. રસીલાબેને યુવાનને પાટુ માર્યું હતું. દરમિયાન લોકો એકત્ર થઈ જતા યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યાર બાદ 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જયારે સામા પક્ષે સરપંચ નરસીભાઈ ખોડાભાઈ ગજેરા ઉ.60એ રમેશ મેઘજી પરમાર, પ્રિન્સ રમેશ પરમાર, અનિલ નાથા મકવાણા અને અનિલ નાનજી રાઠોડ સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રાત્રિના તે ઘરે હતા ત્યારે ગામના અજયભાઈ ધ્રાંગીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી દુકાન પાસે રમેશ પરમાર તમારા પુત્ર ભૂરાને મારે છે જેથી સરપંચ તથા તેમના પત્ની રસીલાબેન અજયભાઈની દુકાને ગયા હતા જ્યાં ફરિયાદીનો પુત્ર પ્રશાંત ઉર્ફે ભુરો ઊભો હોય તેની પાસે જઈ શું થયું તેને પૂછતા રમેશે દુકાન પાસે પડેલ પ્લાસ્ટિકનું સોડા મૂકવાનું ગાલુ મારી દીધું હતું અને ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન રમેશનો પુત્ર પ્રિન્સ આવી ગયો હતો અને તે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો બાદમાં અનિલ મકવાણા અને અનિલ રાઠોડ પણ આવી ગયા હતા અને ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન સરપંચનો પુત્ર દિવ્યેશ છોડાવવા માટે વચ્ચે આવતા ચારેય શખસોએ દિવ્યેશને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. અહીં એકત્ર થયેલા લોકોએ વચ્ચે પડી પિતા- પુત્રોને વધુ મારમાંથી બચાવ્યા હતા. રમેશે કહ્યું હતું કે મારી સામે નજર નીચે રાખવાની નહીં તો પૂરા કરી નાખીશ. બાદમાં નરસીભાઇએ પુત્ર પ્રશાંતને ઝઘડાના કારણ અંગે પૂછતા કહ્યું હતું કે, હું અજયભાઈની દુકાને ફાકી ખાવા ગયો હતો ત્યારે રમેશ અહીં ઊભો હોય અને મને કહેવા લાગ્યો હતો કે તારી નજર નીચે રાખવાની તેમ કહેતા મેં કહ્યું હતું કે મારો વાંક શું છે હું તો કંઈ બોલ્યો નથી તેમ કહેતા રમેશ ઉશકેરાઈ ગયો હતો અને માર મારવા લાગ્યો હતો. હુમલામાં સરપંચ તેના પુત્ર પ્રશાંત તથા દિવ્યેશને ઈજા પહોંચી હતી. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોટડા સાંગાણી પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટની ત્યક્તાને લગ્નની લાલચ આપી નવાગામના કારખાનેદારે આચર્યું દુષ્કર્મ : બે સંતાનોના પિતાએ ગર્ભ રાખી દીધો : ડરાવી – ધમકાવીને ગર્ભપાત કરાવ્યો
રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં રહેતી મહિલાએ ગોંડલના નવાગામમાં રહેતાં કારખાનેદાર સંજય મનસખુભાઇ કંડોલીયા ઉ.38 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર મહિલાના 2020માં છુટાછેડા થઇ ગયા હતાં. તેમને એક સંતાન હોઇ જેના ઉછેર માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ દરમિયાન પરીચીતને વાત કરી કોઇ સારો યુવાન હોય તો જાણ કરવા કહ્યું હતું દરમિયાન 2022માં ગોંડલ નવાગામના સંજય કંડોલીયા સાથે સંપર્ક થયો હતો પોતે કારખાનેદાર હોવાનું અને લગ્ન કરવા ઇચ્છુક હોવાનું તેમજ અપરિણીત હોવાનું કહ્યું હતું. મહિલાને તેના પર વિશ્વાસ બેસી જતાં એક બીજા સાથે વાતચીત શરુ કરી હતી બાદમાં સંજયએ તેણીને પોતે ખુબ જ પ્રેમ કરે છે અને ટુંક સમયમાં જ લગ્ન કરી લેશે તેવુ કહી તેણી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી તે અવાર-નવાર લગ્ન કરી જ લેવાના છે તેમ કહી રાજકોટમાં ભક્તિનગર સર્કલ રોડ પર તેમજ આર્ય ક્લ્બ એન્ડ રિસોર્ટમાં, ગોંડલ રોડ પર આવેલ હોટેલ નોવામાં તથા અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધી લેતો હતો. ભોગ બનનાર મહિલા જ્યારે પણ લગ્ન કરવાનું કહે ત્યારે તે અલગ અલગ બહાના બતાવી દેતો હતો. આ દરમિયાન તેણીને બે મહિનાનો ગર્ભ રહી જતાં ધાકધમકી આપીને ગર્ભપાત કરાવડાવી નાખ્યો હતો. આ પછી તેણીને શંકા જતાં તપાસ કરતાં સંજય બે સંતાનનો પિતા હોવાની ખબર પડી હતી. ત્યારે પણ સંજયએ લગ્ન કરી લેશે તેવુ કહ્યું હતું. પણ છેલ્લે ગાળો દઇ ડરાવી ધમકાવી તરછોડી દીધી હતી અને લગ્નની ના પાડી દીધી હતી. આથી પોતાની સાથે છેતરપિંડી કરી શારીરિક શોષણ થયાનું જણાતાં તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર. જી. પઢીયાર તથા રાઇટર અરૂણાબેને ગુનો નોંધી આરોપી સંજય કંડોલીયાની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.




