સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો : આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ, હવે સ્થાનિક ફ્લાઈટ્સ પર પણ સંકટ
યમનના હૂતી બળવાખોરોએ શનિવાર રાત્રે સાઉદી અરેબિયામાં રિયાધ એરપોર્ટ પર હુમલો કર્યો. તેમાં એક ભારતીય સહિત ૧૩ લોકોનાં મોત થયા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા. આ પછી સાઉદી સરકારે રિયાધ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન અટકાવી દીધું. જોકે બીજા જ દિવસે રવિવારે હૂતી બળવાખોરોએ સ્થાનિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા ટર્મિનલ પર હુમલો કરી દીધો. તેમાં એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું. ૧૦ ઑક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલો હુમલો છેલ્લા એક દાયકામાં સાઉદી અરેબિયા પરનો સૌથી મોટો હુમલો હતો. આ પહેલાં મે ૨૦૧૫માં સાઉદી અરેબિયાના કાતિફમાં એક શિયા મસ્જિદ પર હુમલો થયો હતો, જેમાં ૨૧ લોકોનાં મોત થયા હતા. તેની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.
- Advertisement -
બળવાખોરોના હુમલા બાદ રિયાધ એરપોર્ટની આંતરરાષ્ટ્રીય ઉંડાનો શનિવારથી જ બંધ છે. બળવાખોરોએ એરપોર્ટ અને સાઉદીની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. રવિવારે એરપોર્ટના ટર્મિનલ-૩ અને ટર્મિનલ-૪ પર હુમલો થયો. અહીંથી સ્થાનિક ઉડાનોનું સંચાલન થાય છે. એરપોર્ટ પર હાજર એક મુસાફરના જણાવ્યા મુજબ, રવિવારની રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે એક ગોળો રનવે પર પડયો. તે ઘણા ઉભેલા વિમાનોની નજીક પડ્યો, જેના કારણે ત્યાં આગ લાગી. તે સમયે એક યાત્રી વિમાન રનવે પર પાર્કિંગની જગ્યા તરફ આગળ વધી રહ્યું હતું. હૂતીઓનું કહેવું છે કે તેઓ યમનના ગૃહયુદ્ધમાં સાઉદી અરેબિયાની ભૂમિકાના વિરોધમાં હુમલા કરી રહ્યા છે. હૂતીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયાના એરપોર્ટને ફરી નિશાન બનાવવામાં આવી શકે છે.
યમનમાં હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના મીડિયાએ રવિવારે જણાવ્યું કે સાઉદી અરેબિયાના વિમાનોએ યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો. હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે રાજધાનીમાં એક રહેણાંક ઈમારત પર થયેલા હુમલામાં એક બાળકનું પણ મોત થયું છે. મંત્રાલયના પ્રવક્તા અનીસ અલ-અસબાહીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરથી અત્યાર સુધી સાઉદી અરેબિયાના હવાઈ હુમલાઓમાં ૯૧ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમાં મોટા ભાગે મહિલાઓ અને 3 બાળકો છે.
એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે ફલાઇટ્સ બંધ કરી
સાઉદી અરેબિયા પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે રિયાધ અને અન્ય સાઉદી એરપોર્ટ્સ માટેની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. આમાં એર ઈન્ડિયા, ફ્લાયદુબઈ, લુફ્થાંસા ગ્રુપ અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનની ઉડ્ડયન સુરક્ષા એજન્સીએ પણ સાઉદી હવાઈ ક્ષેત્ર અંગે પોતાની ચેતવણી વધારી છે. એજન્સી મુજબ, હૂતી બળવાખોરો હવે સાઉદી અરેબિયાની અંદર સુધી હુમલા કરવામાં સક્ષમ છે અને તેમનું ધ્યાન એરપોર્ટ જેવા ઉડ્ડયન મથકો પર પણ વધ્યું છે.




