મોડી રાત્રીના બંનેને લઇ બી ડિવિઝન પોલીસ રાજકોટ પહોચી : આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે
ધરપકડથી બચવા અગાઉ રાજકોટ અને હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી
- Advertisement -
રાજકોટના પેડક રોડ પર રહેતા અને રૈયારાજ એન્ડ કંપનીના નામે પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા પટેલ પરિવાર અને તેમના સ્નેહી-મિત્રો સાથે ચાર માસ પૂર્વે છ કરોડ અઢાર લાખ પચાસ હજારની છેતરપિંડીની કરનાર બંટી-બંબલીને બી ડીવીઝન પોલીસે ગાંધીનગરથી ઝડપી લઈ મોડી રાત્રીના રાજકોટ લાવી વિશેષ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા કાર્યવાહી કરી છે.ઉલ્લેખનિય છે કે ઠગ દંપતિએ અગાઉ રાજકોટ સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જે બંને કોર્ટે નામંજૂર કરી હતી જેથી પોલીસ માટે ધરપકડનો માર્ગ મોકળો થઇ ગયો હતો.
કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે પ્રાપ્ત માહિતી મુજબ ચાર માસ પૂર્વે એટલે કે ગત.તા.૫/૬/૨૬ના રણછોડનગર વિસ્તારમાં રહેતા મહિલા વેપારી જલ્પાબેન જીતેન્દ્રભાઈ રૈયાણીએ બી ડીવીઝન પોલીસમાં નાના મૌવા મેઈન રોડ પર દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા કામ્યા ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલીયા અને તેમના પત્ની નિલમબેન દિવ્યેશભાઈ સાવલીયા સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોંડલના ગરનાળા ગામની સીમમાં કામ્યા ટેક્સટાઈલ્સ નામની પેઢી ધરાવતા દિવ્યેશને પોતાના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે રૈયાણી પરિવારને પોતાની કંપનીમાં રોકાણ કરવા પર ૨ થી ૩ ટકા વળતર આપવાની લાલચ આપી હોય જેથી રૂ.૪૫ લાખનું રોકાણ કર્યુ હતું.બાદ આરોપીએ તેણીના પતિ તેમજ તેના મિત્ર અલ્તાફ પાસેથી કંપનીના શેર આપવાના કાગળ પર લખાણ કરી આપીને રૂ.૪ કરોડ રોકડા મેળવ્યા હતા, જેમાં પતિને વચન આપેલા ૪૦% શેર ક્યારેય ટ્રાન્સફર કર્યા નહોતા. આ ઉપરાંત તેણીના સગા રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયા પાસેથી પણ ૨.૦૫ કરોડ લઈ માત્ર ૬૨ લાખ વળતર તરીકે આપી બાકીના રૂ.૧.૪૩ કરોડના બદલામાં શેર આપવાનું કહી આપ્યા ન હતા. તેમજ અન્ય એક મિત્ર કલ્પેશભાઈ માલકીયા પાસેથી પણ વધુ નાની લાલચ આપી પેઢીના ખાતામાં રૂ.૩૦ લાખ લીધા હતા.આમ, આરોપી ડિરેક્ટર દંપતીએ કુલ રૂ.૬.૧૮ કરોડ મેળવી લઈ વળતર કે નફો ન આપી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો હતો.બાદ ઠગ દંપતિએ ધરપકડથી બચવા રાજકોટ સ્થાનિક અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હોય પરંતુ કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો દરમ્યાન બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડોબરીયા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુનામાં ચાર માસથી ફરાર દંપતિ ગાંધીનગરમાં છુપાયું છે આ માહિતી આધારે ટીમ તુરંત દોડી ગઈ હતી અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ બંટી-બબલીની ધરપકડ કરી મોડી રાત્રીના રાજકોટ લાવી વિશેષ પૂછતાછ અર્થે રિમાન્ડ પર લેવા કાર્યવાહી કરી છે.




