કેનેડામાં ભાગવતે કહ્યું- વિવિધતા જ આપણા દેશની સુંદરતા, ‘આ મારું, પેલું તમારું’ ની વિચારસરણીથી આગળ વધવું પડશે
RSS પ્રમુખ મોહન ભાગવત સોમવારે ટોરોન્ટોમાં ‘હિંદુ વિશ્વ બંધુ કાર્યક્રમમાં સામેલ થયા. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે મુશ્કેલ સમયમાં બીજાની મદદ કરવી એ ભારતની જૂની પરંપરા રહી છે. દુનિયામાં ક્યાંય પણ સંકટ આવ્યું અને ભારત પાસેથી મદદ માંગવામાં આવી તો ભારતે ક્યારેય પાછળ હટીને ઇનકાર કર્યો નથી. ઘણી વાર ભારતે મદદ માંગ્યા વગર પણ બીજાની સહાયતા કરી છે. ભાગવતે કહ્યું- ભારતમાં વિવિધતા એકતાની વિરુદ્ધ નથી, પરંતુ તેની સુંદરતા છે. દેશમાં અલગ-અલગ જાતિ, પંથ, ભાષાઓ અને સંસ્કૃતિઓ છે, પરંતુ આ બધા એક જ સમાજનો હિસ્સો છે. તેમણે વિવિધતાને સ્વીકાર કરવા અને તેનું સન્માન કરવાની વાત કહી. તેમણે કહ્યું કે ‘આ મારું, તે તમારું જેવી વિચારસરણીથી ઉપર ઉઠવાની જરૂર છે. અલગ-અલગ રૂપ અને ઓળખ હોવા છતાં બધામાં એક જ દિવ્યતા છે. એટલે બીજાને અલગ કે પરાયા માનવાને બદલે બધાની સાથે ભાઈચારા અને સેવાની ભાવના રાખવી જોઈએ. ભાગવતે કહ્યું કે હિંદુ બધાનું સન્માન અને સ્વીકાર કરે છે. દુનિયામાં ક્યાંય કોઈના પર અત્યાચાર થયો અને તેણે શરણ માંગી, તો તેને ભારતમાં જગ્યા મળી. ભારતમાં મુસ્લિમ, ઈસાઈ, યહૂદી, પારસી અને બીજા સમુદાયો રહે છે. લોકો માત્ર શરણ લેવા જ નહીં, પરંતુ જ્ઞાન મેળવવા માટે પણ ભારત આવ્યા. તેમણે કહ્યું કે માણસે ફલની જેમ હોવું જોઈએ. કળી ફૂલ બને અને પોતાની સુગંધ પૂરા વાતાવરણમાં ફેલાવે. આ જ રીતે વ્યક્તિએ વિકસિત થઈને માનવતા માટે સમર્પિત થવું જોઈએ. એક હિંદુની વિચારસરણી એ હોવી જોઈએ કે મારે પણ આગળ વધવું છે, મારે સફળ થવું છે, કારણ કે મારે સેવા કરવી છે.




