ડોમના નામે બમણા નાણાં વસૂલ્યા, હવે ભાવ અડધા કર્યા
એસ પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના પરંપરા ગરબાનો એસી ડોમ ધરાશાયી થતા બીજા નોરતેથી ગરબા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મોટાભાગના ખેલૈયાઓએ એડવાન્સમાં બે
હજાર રૂપિયા પ્રતિદિનની કિંમતના ટિકિટના નાણાં ચૂકવ્યા હતા. પરંતુ, હવે ટિકિટની કિંમત અડધી કરવામાં આવતા બમણાં નાણાં ચૂકવનારાઓએ રીફંડની માંગણી કરી છે. જો કે આયોજકોએ નાણાં પરત આપવાનો ઈનકાર
કરતા ભારે હોબાળો થયો હતો. કીર્તિદાન ગઢવીના પરંપરાના નામે એસી ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટના ૯૯૯, ૧૩૯૯ અને ૨૪૯૯ જેટલી કિંમત રાખવામાં આવી હતી અને એસી ડોમ હોવાથી મોટાભાગના ખેલૈયાઓએ એડવાન્સમાં ટિકિટ ખરીદી હતી. ત્યારે હવે એસી ડોમ નવરાત્રિના બે દિવસ પહેલાં જ તૂટી પડતા પ્રથમ નવરાત્રિએ ગરબાનું આયોજન શક્ય બન્યું નહોતું અને બીજા દિવસે સોમવારે ગરબા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સાથે સાથે આયોજકોએ એવી પણ જાહેરાત કરી હતી કે ગરબા ખુલ્લામાં યોજવામાં આવનાર હોવાથી ટિકિટના દર પણ અડધા થશે. જેથી એડવાન્સમાં ટિકિટ ખરીદનારાઓએ રીફંડની માંગણી કરી હતી. પરંતુ, ઓનલાઈન નાણાં
ચૂકવનારને રીફંડની ના પાડવામાં આવતા હોબાળો થયો હતો. જેથી કેટલાંક લોકોને રીફંડ આપવાની ખાતરી આપીને રોષ શાંત કરવા માટે પ્રયાસ કરાયો હતો. એટલું જ નહીં ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટની કિંમતમાં ઘટાડો
કરવામાં આવ્યો નહોતો અને ૯૯૯, ૧૩૯૯ અને ૨૪૯૯ રૂપિયા જ વસૂલવામાં આવતા હતા. આમ, આયોજકો દ્વારા છેતરપિંડી કરાયાનો આરોપ ખેલૈયાઓએ લગાવ્યો હતો.




