પાણીમાં નિર્ધારિત મર્યાદા કરતાં 1,000 ગણું વધુ ક્રોમિયમ-6: નાસિકમાં ઓગસ્ટ 2027માં કુંભનું આયોજન
મહારાષ્ટ્ર પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કંપનીને કારણદર્શક નોટિસ આપી
- Advertisement -
મહારાષ્ટ્રના નાસિકમાં ઑગસ્ટ ૨૦૨૭માં યોજાનારા કુંભ મેળાના સ્થળની નજીક આવેલા અંબડ ઔદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભજળમાં કેન્સર સાથે સંકળાયેલું ઝેરી તત્વ ક્રોમિયમ-૬ મળી આવ્યું છે. એક લેબની તપાસમાં તેની માત્રા ૫૦.૩ મિલિગ્રામ પ્રતિ લિટર નોંધાઈ છે, જે પીવાના પાણી માટે નિર્ધારિત 0.0૫ મિલિગ્રામ પ્રતિ લિટરની મર્યાદા કરતાં ૧,૦૦૦ ગણીથી પણ વધુ છે. નદીઓ અને જન સંગઠન (SANDRP) માટે કરાવવામાં આવેલી તપાસના પરિણામોએ લોકોના સ્વાસ્થ્ય અને ગોદાવરી નદીમાં સ્નાનને લઈને ચિંતા વધારી છે. સંગઠને દૂષિત નાળા અને ગોદાવરીના પાણીની તપાસ કરાવવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ૩૦ સપ્ટેમ્બરે એક કંપનીને કારણદર્શક નોટિસ જારી કરી હતી. જ્યારે, વિસ્તારમાં આવેલી ૧૫ ફેક્ટરીઓને અત્યાર સુધી બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવાની અથવા તેમને સીલ કરવામાં આવી હોવાની માહિતી છે. આ દરમિયાન, નાસિકના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે રવિવારે મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ પણ આ રિપોર્ટ રજૂ કર્યો હતો.




