સિંગર ધ્રુવીલ સાગઠિયા, તુષાર ચુડાસમા અને શ્રદ્ધા મારુના સુરીલા સૂર સાથે ગરબે ઘૂમતા હજારો ખેલૈયાઓ
જીમખાના ગ્રાઉન્ડમાં પારિવારિક વાતાવરણ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બ્રિજ રાસોત્સવનું ભવ્ય આયોજન
- Advertisement -
અત્યંત રંગિલા અને મોજીલા રાજકોટમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ-૨૦૨૬’નો ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. રાજકોટના હૃદયસમા ડો. યાજ્ઞિક રોડ પર આવેલી આર.કે.સી. કોલેજની સામે, જીમખાના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ રાસોત્સવમાં પહેલા અને બીજા નોરતે હજારો ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. ‘રમતી આવે મા રમતી આવે.. આજ મારી માડી રમતી આવે..’ ‘ડાકલા વાગે.. ડાકલા વાગે..’ જેવા લોકપ્રિય ગરબાઓ અને અર્વાચીન–પ્રાચીન રાસના તાલે યુવાધન તેમજ પરિવારો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. જાણીતા સિંગર ધ્રુવીલ સાગઠિયા, તુષાર ચુડાસમા અને શ્રદ્ધા મારુના મધુર કંઠે ગવાયેલા ગરબા તથા અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમના તાલે સમગ્ર જિમખાના ગ્રાઉન્ડ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું. આયોજક અંકિતસિંહ ચાવડા અને તેમની સમર્પિત ટીમની અથાક મહેનતથી રાજકોટના ગરબા રસિકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ રાસોત્સવની વિશેષતા અહીંનો શુદ્ધ પારિવારિક માહોલ અને પ્રીમિયમ ક્રાઉડ છે, જ્યાં દરેક ઉંમરના ખેલૈયાઓ કોઈપણ સંકોચ વગર ગરબાનો આનંદ માણી રહ્યા છે. આ ભગીરથ આયોજનને શહેરના અનેક અગ્રણી મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓએ રૂબરૂ મુલાકાત લઈ બિરદાવી રહ્યા છે. ‘બ્રિજ રાસોત્સવ-ર૦ર૬’માં પારદર્શિતા જળવાઈ રહે તે માટે નિષ્ણાત નિર્ણાયકો દ્વારા તટસ્થ જજમેન્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે. બેસ્ટ પ્રિન્સ, બેસ્ટ પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસિંગ અને વેલ-ડિસ્પ્લિન ગ્રૂપ સહિતની વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને દરરોજ શાનદાર ઈનામોથી નવાજવામાં આવી રહ્યા છે. આગામી નોરતાઓમાં પણ ખેલૈયાઓ માટે આ પ્રકારનો જ અનેરો ઉત્સાહ અને વિશેષ આકર્ષણો જળવાઈ રહેશે તેવું આયોજક અંકિતસિંહ ચાવડા અને સંચાલક મંડળ દ્વારા જણાવાયું છે.




