બ્લેક સીમાં 2 હુમલા, યુક્રેનિયન ડ્રોન ઓઈલ ટેન્કર સાથે અથડાયું : હોર્મુઝમાં પણ 1 જહાજ પર હુમલો
રશિયાના બ્લેક સી કાંઠા નજીક એક તેલ ટેન્કર પર દરિયાઈ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ. ટેન્કર પર ૨૩ લોકોનો ક્રૂ હતો. બધા ભારતીય નાગરિકો હતા અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. રશિયાના પરિવહન મંત્રાલય અનુસાર, લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા આ ટેન્કર પર હુમલા બાદ બ્લેક સીના પાણીમાં કાચું તેલ સળગ્યું. તેના કારણે રશિયાના રિસોર્ટ શહેર સોચીના કેટલાક વિસ્તારોમાં આકાશ કાળા ધુમાડાથી ઢંકાઈ ગયું છે. છેલ્લા ૪૮ કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે.
આ પહેલા ૫ અને ૬ ઑક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટ અને બ્લેક સીમાં પણ ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર હુમલો થયો હતો. આ હુમલાઓમાં કોઈ ભારતીયનું મૃત્યુ થયું નથી. ૬ ઑક્ટોબરઃ હોર્મુઝ સ્ટ્રેટમાં પનામાના ધ્વજવાળા વેપારી જહાજ પર હુમલો થયો હતો. જહાજમાં કુલ ૧૯ લોકો સવાર હતા. તેમાં ૧૭ ભારતીય નાગરિકો હતા. વિદેશ મંત્રાલય અનુસાર, તેમાં ૧૧ ભારતીય ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. ૫ ઑક્ટોબર: બ્લેક સીમાં રોમાનિયા નજીક એક જહાજ પર હુમલો થયો હતો. તેમાં ૩ ભારતીય નાવિકો સવાર હતા. દુર્ઘટના બાદ જહાજ ડૂબી ગયું અને ૨ વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં. જ્યારે ભારતીયો સહિત ૧૧ ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે જહાજ પર રશિયન ડ્રોનથી હુમલો થયો હતો.
- Advertisement -
જહાજ યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું
ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, આ જહાજ યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું. તેને રશિયાના કથિત શેડો ફ્લીટનો હિસ્સો ગણાવવામાં આવ્યું હતું. રશિયાનો શેડો ફ્લીટ એવા ટેન્કરો અને જહાજોનું નેટવર્ક છે, જેનો ઉપયોગ રશિયા પશ્ચિમી પ્રતિબંધોથી બચીને તેલ સહિત અન્ય સામાનની નિકાસ કરવા માટે કરે છે. યુક્રેને ફેબ્રુઆરીમાં જહાજો પર પ્રતિબંધો લગાવ્યા હતા. તેનું કહેવું હતું કે આ નેટવર્કના જહાજો રશિયાને જરી ઊર્જા આવક જાળવી રાખવામાં મદદ કરે છે. આ જ આવકથી રશિયા યુક્રેન વિરુદ્ધના યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે.




