દેવજીવન રેસ્ટોરન્ટમાંથી 6 કિલો વાસી જથ્થો ઝડપાયો દંડ ફક્ત 500 રૂપિયાનો ફટકાર્યો
ધ પાઈનવીંટા હોટલમાંથી પનીર અને મગનું શાક, જય યોગેશ્વર ડેરીમાંથી દૂધ અને તપસી રેસ્ટોરન્ટમાંથી મરચું, હળદર અને ગ્રેવીના નમૂના લેવાયા
- Advertisement -
નાગરિકોના સ્વાસ્થ્યની કિંમત માત્ર ₹500! રાજકોટમાં 6 કિલો વાસી માલ પકડાયો છતાં મનપાના બેવડા ધોરણો
લારી-ગલ્લા પર કડક કાર્યવાહી, અખાદ્ય ખોરાક વેચતી રેસ્ટોરન્ટોને માત્ર નજીવો દંડ
- Advertisement -
રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરી માત્ર કાગળ પર અને દેખાડા પૂરતી જ હોય તેવો ઘાટ સર્જાયો છે. કુવાડવા હાઈવે પર જૂના જકાતનાકા સામે આવેલી ‘જય દેવજીવન રેસ્ટોરન્ટ’માંથી અંદાજે 6 કિલો જેટલો વાસી મંચુરિયન, પનીર અને બાંધેલો લોટ ઝડપાયા બાદ તંત્ર દ્વારા માત્ર ₹500નો નજીવો વહીવટી ચાર્જ વસૂલી સંતોષ માની લેવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ સર્વેલન્સ ડ્રાઈવ દરમિયાન જય દેવજીવન રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તે રીતે રાખવામાં આવેલો 6 કિલો વાસી જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારાઈ હતી. જોકે, આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ ખોરાક ઝડપાયો હોવા છતાં તંત્રએ માત્ર 500નો મામૂલી દંડ ફટકારીને સંતોષ માની લીધો હતો, જેના કારણે “શું નાગરિકોના સ્વાસ્થ્યની કિંમત માત્ર 500 રૂપિયા જ છે?” તેવો સણસણતો સવાલ ઉઠ્યો છે.લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે, એક તરફ સામાન્ય લારી-ગલ્લા ધારકો કે નાના ફેરિયાઓ સામે દબાણ હટાવવાની અને કડક દંડની કાર્યવાહી કરવામાં તંત્ર શૂરાતન બતાવે છે, ત્યારે બીજી તરફ વાસી અને અખાદ્ય ખોરાક પીરસતી હોટલ-રેસ્ટોરન્ટો સામે નજીવો વહીવટી ચાર્જ વસૂલીને રહેમનજર રાખવામાં આવે છે.તપાસ દરમિયાન ગોંડલ રોડ સ્થિત ધ પાઈનવીંટા હોટલમાંથી લૂઝ પનીર અને પ્રિપેડ લૂઝ મગનું શાક, કોઠારીયા રોડ પર આવેલ જય યોગેશ્વર ડેરીફાર્મમાંથી લૂઝ બટર અને મિક્સ દૂધ, તેમજ 80 ફૂટ રોડ સ્થિત તપસી રેસ્ટોરન્ટમાંથી લૂઝ લાલ મરચું પાઉડર, હળદર અને પ્રિપેડ ગ્રેવીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ધ પાઈનવીંટા હોટલ અને તપસી રેસ્ટોરન્ટને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ પણ અપાઈ હતી. બીજી તરફ, અખાદ્ય જથ્થાના નાશની કાર્યવાહીમાં કુવાડવા હાઈવે પરની જય દેવજીવન રેસ્ટોરન્ટમાંથી અંદાજે 6 કિલો વાસી મંચુરિયન, પનીર અને બાંધેલો લોટ, કોઠારીયા રોડ સ્થિત રહાન પ્રોવિઝન સ્ટોરમાંથી 5 કિલો એક્સપાયરી ફૂડ પેકેટ તથા શ્રી હરિ પ્રોવિઝનમાંથી 6 કિલો એક્સપાયરી ફૂડ પેકેટ મળી કુલ 17 કિલો જથ્થાનો નાશ કરી દરેક પેઢીને નોટિસ આપી રૂ. 500-500નો દંડ વસૂલાયો હતો.આ ડ્રાઈવ દરમિયાન રેસકોર્સ રીંગરોડ, ભક્તિનગર, રૈયા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, અયોધ્યા ચોક, કુવાડવા હાઈવે અને પુનિત નગર વિસ્તારમાં આવેલ પટેલ આઈસ્ક્રીમ, સોનારૂપા આઈસ્ક્રીમ, ફેવરિટ આઈસ્ક્રીમ, બીગડીલ આઈસ્ક્રીમ, રાજશ્રી પરોઠા હાઉસ, મિસ્ટર સેન્ડવીચ વડાવ્યા, કમલેશ આઈસ્ક્રીમ, આદેશ ગ્રુપ (99 પેરેલલ કાફે), માલધારી હોટલ, કનૈયા રેસ્ટોરન્ટ, ખોડલધામ ફાસ્ટ ફૂડ, બાપા સીતારામ નાસ્તા ગ્રુહ, જલિયાણ પાઉભાજી અને નાગદાદા રેસ્ટોરન્ટ એન્ડ હોટલ સહિતની અન્ય 14 પેઢીઓમાં પણ રૂટિન તપાસ હાથ ધરવામાં આવી હતી.




