વિદેશી દારૂની 8596 નંગ બોટલ તથા એક કાર સહિત 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ચોટીલા ખાતે વિદેશી દારૂના કટીંગ સમયે જ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડો કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો અને એક મહિન્દ્રા પિકઅપ સહજત કુલ 1.26 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે આ દરોડામાં વિદેશી દારૂ મંગાવનાર શખ્સ સહિત દશ જેટલા શખ્સો નાશી ગયા હોવાથી તમામ વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા પંથકની આજુબાજુ દરરોજ વિદેશી દારૂનું કટીંગ અને હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ અનેક વાહનો પસાર થાય છે જેમાં ભાગ્યે જ સ્થાનિક પોલીસના હાથે વિદેશી દારૂ ઝડપાઈ છે તેવામાં ગત શુક્રવારે ચોટીલા તાલુકાના ખેરડી ગામ નજીક નાગરાજ હોટલ સામે ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી ગાંધીનગર એસ.એમ.સી ટીમને મળતા બાતમી વાળા સ્થળે દરોડો કરાયો હતો જે દરોડા દરમિયાન તમામ શખ્સો નાશી જવામાં સફળ રહ્યા હતા છતાં ટીમ દ્વારા સ્થળ પરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 8596 નંગ બોટલ કિંમત 1,19,10,000/- રૂપિયાની જપ્ત કરી એક મહિન્દ્રા પિકઅપ કાર જીજે 13 એ ડબલ્યુ 6447 નંબરની જેની કિંમત 7 લાખ રૂપિયા એમ કુલ 1,26,10,000/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર દિલીપભાઈ બાલકુભાઈ ધાંધલ, મહિન્દ્રા પિકઅપ કારનો ડ્રાઈવર તથા માલિક, દિલીપભાઈ ધાંધલ સાથે અજાણ્યા 6 જેટલા ઈસમો અને વિદેશી દારૂ મોકલનાર શખ્સ સહિત કુલ દશ ઈસમો વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
ચોટીલા પોલીસ મથકની હદમાં ચાલતો વિદેશી દારૂના કટીંગ પર ગાંધીનગર એસ.એમ.સી ત્રાટકતા જિલ્લા અપોલીસ વડા દ્વારા ચોટીલા પોલીસ મથકના પીઆઇ આઇ.બી. વળવી તથા ડી સ્ટાફના છગનભાઈ માયાભાઈ ગમારા, હિતેશભાઈ ગોરધનભાઈ, ભરતભાઇ રણુભાઇ, રવિરાજ મેરૂભાઇ ખાચર અને હરેશભાઈ શાંતુભાઈ ખાવડ સહિતના પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.