એક બાળક ગંભીર: મામા-ફઈનાં બાળકો રમતાં-રમતાં તળાવમાં ડૂબતાં કરૂ ણાંતિકા
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
- Advertisement -
ગોંડલ તાલુકાના શેમળા ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. ગામના ઓરિયા તળાવમાં મામા-ફોઈના બાળકો રમતા-રમતા ડૂબી ગયા હતા. એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 બાળકની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટનાને પગલે શ્રમજીવી પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતાં ગોંડલ હોસ્પિટલ રાજકીય અને સામાજીક અગ્રણીઓ દોડી ગયા હતા. ગંભીર હાલતમાં એક બાળકને રાજકોટ ખસેડવામાં આવ્યું છે.
શેમળા ગામમાં ખેડૂત નિરુભા હકુભા જાડેજાની વાડીમાં એક શ્રમજીવી પરિવાર મજૂરીકામ કરતો હતો. આ દરમિયાન વાડીથી આશરે 500 ફૂટ દૂર આવેલા ઓરિયા તળાવ (ડેમ) પાસે બાળકો રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ વાડી માલિક તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરિવારજનો અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સમયસૂચકતા વાપરીને ચારેય બાળકોને ખાનગી કાર મારફતે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આ તમામ બાળકો એક જ પરિવારના (બનેવી કરશનભાઈ અને તેમના સાળાના) સંતાનો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં કરશનભાઈના 2 અને તેમના સાળાનું 1 બાળક સામેલ છે.
મૃતક બાળકોમાં અર્જુન ભુરાભાઈ બબેરીયા (ઉંમર: 6 વર્ષ), લખત કરશનભાઇ ડામોર (ઉંમર: 6 વર્ષ) અને લક્ષ્મી કરશનભાઇ ડામોર (ઉંમર: 3 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે સાહિલ ભુરાભાઈ બબેરીયા (ઉંમર: 3 વર્ષ)ને ગંભીર હાલતે રાજકોટ સારવારર્થે ખસેડાયો છે.
આ ગોઝારી ઘટનાને પગલે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ, ગીરીશ ગોહેલ અને વ્યાજબીભાઈએ શોકાતુર પરિવારને મદદ પૂરી પાડી હતી. દુર્ઘટનાના સમાચાર મળતાં જ રાજકીય અગ્રણીઓ પણે હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમાં યુવા અગ્રણી ગણેશ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરત ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અશ્ર્વિન ઠૂંમર સહિતના આગેવાનોએ હોસ્પિટલ ખાતે હાજર રહીને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી.



