ડિવાઇડર કૂદીને ઈકો ગાડી ટ્રક સાથે અથડાઈ, બે બાળકો સહિત દીવના 4 લોકોના કરુણ મોત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
- Advertisement -
મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મી) તાલુકાના હરિપર ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છમાં મા આશાપુરાના દર્શન કરીને પરત ફરી રહેલા દીવના એક જ પરિવારની ઈકો ગાડીનું ટાયર અચાનક ફાટતાં કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે ગાડી ડિવાઇડર કૂદીને સામેની લેનમાં ધસી ગઈ હતી અને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં બે માસૂમ બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગીર સોમનાથના અને હાલ દીવ ખાતે રહેતા કાપડિયા પરિવારના સભ્યો પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં પ્રખ્યાત ધાર્મિક સ્થળ માતાના મઢે દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરીને આખો પરિવાર અત્યંત ખુશી સાથે દીવ તરફ પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન માળિયા તાલુકાના હરિપર ગામના પાટિયા પાસેથી પસાર થતી વખતે કાળમુખા અકસ્માતે આ હસતા-રમતા પરિવારને પોતાની ચપેટમાં લીધો હતો.
ગાડીનું ટાયર અચાનક ફાટી જતાં ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે ગાડી પલકવારમાં ડિવાઇડર કૂદી સામેના ટ્રેક પર ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ગમખ્વાર દુર્ઘટનામાં ઈકો ગાડીમાં સવાર કુલ છ વ્યક્તિઓમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. અકસ્માતની જોરદાર બાંગ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ માળિયા તાલુકા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ગાડીમાં ફસાયેલા મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જાગૃતિબેન કાપડિયા અને તેમની 12 વર્ષની દીકરી વૈદર્શીને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (ઙખ) માટે માળિયાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
મૃતકોની યાદી
ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 40) – કાર ચાલક
કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 60)
જીવાંશુ મનોજ કાપડિયા (ઉં.વ. 7) – માસૂમ બાળક
મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉં.વ. 50)



