સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 દિવસીય ‘વિજ્ઞાન યાત્રા 3.૦’ વ્યાખ્યાનનો પ્રારંભ
દેશભરના 25 રાજ્યોના અને છ દેશોના સંશોધકોએ જ્ઞાનની ગંગોત્રીનો લાભ લીધો
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી – ગુજરાત પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે 21 સપ્ટેમ્બરથી 09 ઓક્ટોબર, 2026 દરમિયાન 15 દિવસીય રાષ્ટ્રીય વ્યાખ્યાનમાળા ‘વિજ્ઞાન યાત્રા ૩.૦’નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વૈજ્ઞાનિક અભિગમ સાથે ‘વિકસિત ભારત’ના નિર્માણના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના ૨૫ રાજ્યો અને ૬ દેશોમાંથી સંશોધકો તથા વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.કાર્યક્રમના પ્રથમ દિવસે દિલ્હી યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને ખગોળભૌતિકશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડૉ. ધીરજ કુમાર સિંઘનું ‘સરફેસ એન્હાન્સડ રામન સ્પેક્ટ્રોસ્કોપી (SERS): વિવિધ ઉપયોગો માટેનું નેનોસ્કેલ સાધન’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું.ડૉ. સિંઘે જણાવ્યું કે, જેવી રીતે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તેવી જ રીતે દરેક પદાર્થની પોતાની આગવી ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે. સામાન્ય રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં સિગ્નલ નબળા હોય ત્યારે સોના-ચાંદી જેવી ધાતુઓની નેનો-સપાટીનો ઉપયોગ કરીને SERS ટેકનિક દ્વારા અતિસૂક્ષ્મ પદાર્થોની પણ સચોટ પરખ કરી શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, બહારથી સારા દેખાતા ખાદ્ય પદાર્થોની અંદરનો સડો અને ભેળસેળ ઓળખવા, પાણીમાં પ્રદૂષકોની તપાસ કરવા, વિસ્ફોટક તેમજ જોખમી રસાયણો શોધવા માટે પોર્ટેબલ સાધન અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત પર્યાવરણીય મોનિટરિંગ, યુરેનિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોનું વિશ્લેષણ, ફોરેન્સિક તપાસ, કાર્બન નેનોમટિરિયલ્સ અને કોરોના વાયરસ ડિટેક્શનમાં પણ આ પદ્ધતિ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફ. ઉત્પલ જોશી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, કન્વીનર ડૉ. પીયૂષ એસ. સોલંકી, કો-ઓર્ડિનેટર્સ પ્રો. કે. બી. મોદી, પ્રો. એચ. ઓ. જેઠવા, ડૉ. અશ્વિની ડી. જોશી, ડૉ. ધીરેન પંડ્યા અને ડૉ. મેઘા વાગડિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ચિંતનભાઈ પંચાસરાએ કર્યું હતું, જ્યારે સેશન ચેરપર્સન તરીકે ડૉ. દવિત બી. ધ્રુવે સેવા આપી હતી.




