ભાનુબેનની જગ્યાએ બાનુબેનનું ઓપરેશન કરી નાખ્યું!
બાનુબેન ગર્ભાશયની કોથળી કઢાવવા દાખલ થયા હતાં, હોસ્પિટલે તેમનાં ગોઠણની સર્જરી કરી નાંખી !
- Advertisement -
રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલી એચસીજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એચસીજી હોસ્પિટલમાં ડો. દવેએ ભૂલમાં ભાનુબેન નામના દર્દીની જગ્યાએ બાનુબેન નામના દર્દીનું ઓપરેશન કરી નાખ્યું છે. ઉપલેટાના રહેવાસી બાનુબેન પોતાના ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે એચસીજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. સાંજે 7 વાગ્યે તેમનું ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા. પરંતુ આ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તેમના જેવું નામ ધરાવતા ભાનુબેનના પગનું ઓપરેશન છે, તેવું સમજીને ડો. દવેએ બાનુબેનના ગર્ભાશયના ઓપરેશનને બદલે ગોઠણમાં ચેકો મારીને પગનું ઓપરેશન શરૂ કરી દીધો હતું.
ભયાનક બેદરકારી પછી પણ HCGની દાદાગીરી: અંતે ભૂલ સ્વીકારીને ઝૂકવું પડ્યું
વારંવાર દાદાગીરી, છબરડાં કરતી HCG હોસ્પિટલ સામે સખ્ત પગલાં જરૂરી
- Advertisement -
બાનુબેન અઢી કલાક પછી ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા હતા. તેમના પરિવારજનોએ જયારે તેમના પેટના ઓપરેશનને બદલે તેમના પગ પર પાટો જોયો તો, હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફને આ વિશે પ્રશ્નો પૂછયા હતા. ત્યારે એચસીજી હોસ્પિટલના સ્ટાફએ એવું જણાવ્યુ કે, ઓપરેશન સમયે તેઓ સ્ટ્રેચર પરથી પડી ગયા છે, એટલે તેમને પગ પર પાટો બાંધી દીધો છે. આ બાબતે દર્દી બાનુબેનને પૂછતા તેમણે કહ્યું કે, તેઓ સ્ટ્રેચર પરથી પડી ગયા નથી. જેથી પરિવારએ પેટના ઓપરેશન બાબતે હોબાળો મચાવ્યો ત્યારે હોસ્પિટલએ પોતાની ભૂલ સ્વીકરવાને બદલે અંદરોઅંદર એકબીજા પ્રત્યે આરોપ લગાવવા લાગ્યા હતા. જયારે પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે વાત વણસી ગઇ ત્યારે, હોસ્પિટલનું નામ ખરાબ થાય તેવી બીકે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીના પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના મેનેજમેન્ટએ દર્દીના પરિવારજનોને તેમના ગર્ભાશયના ઓપરેશનના પૈસા પાછા આપવા અને ફ્રીમાં ઓપરેશન કરી આપવાની વાત કહી હતી. આમ, એચસીજી હોસ્પિટલ દ્વારા તેમના ડોક્ટર અનવ સ્ટાફે કરેલી ઘોર બેદરકારી છૂપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મેડિકલ એસો. અને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય
ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને બિલના પૈસા ચૂકવ્યા વગર સગાંસંબંધી પેશન્ટને લઈને જતા રહેતા હોવાના કિસ્સા અવાર નવાર બનતા રહે છે પરંતુ રાજકોટની એચસીજી હોસ્પિટલમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર એચસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી ભાનુબેનની જગ્યાએ અન્ય એક સારવાર લઈ રહેલા દર્દી બાનુબેનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને તેના ડોક્ટરની આવી તો કેવી ગંભીર બેદરકારી કહેવાય કે થોડા સરખા નામ ધરાવતા બે દર્દીઓની સારવાર દરમિયાન એક દર્દીને કરવાનું ઓપરેશન બીજા દર્દીને કરી આપ્યું! મેડિકલ એસોસિએશન અને આરોગ્ય વિભાગે એચસીજી હોસ્પિટલ અને તેના ડોક્ટર દવે પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ બીજા દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ નહીં.
અડધું ઓપરેશન થયા બાદ ડૉક્ટરને ભાન થયું કે ખોટું થઈ ગયું
એચસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાનુબેન અને બાનુબેન નામના બે અલગઅલગ દર્દીઓના અલગઅલગ ઓપરેશન થનારા હતા જેમાં ભાનુબેનને જે ઓપરેશન કરવાનું હતું તે ઓપરેશન બાનુબેનનું કરી નાખવામાં આવ્યું છે. એચસીજી હોસ્પિટલના ડોક્ટર દવે અને તેમનો સ્ટાફ ભૂલમાં ભાનુબેનની જગ્યાએ બાનુબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો. ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ અડધુ ઓપરેશન થયા બાદ એચસીજી હોસ્પિટલનાં ડોક્ટર દવે અને તેમના સ્ટાફને ભાન થયું કે આ તો ખોટું થઈ ગયું. ભાનુબેનની જગ્યાએ ભૂલમાં બાનુબેનનું ઓપરેશન શરૂ થઈ ગયું છે અને તેમના પગમાં ચેકો પણ મારી દેવામાં આવ્યો છે. જોકે એચસીજી હોસ્પિટલનાં ડોક્ટર દવે અને તેમના સ્ટાફને પોતાની ગંભીર બેદરકારીનું ભાન થતા તેમણે ભીનું સંકેલવાનું પ્રયત્ન કર્યો હતો. આમ છતાં બાનુબેન દ્વારા એચસીજી હોસ્પિટલની પોલ ખોલી નાખવામાં આવી હતી.
HCG હોસ્પિટલની ગંભીર બેદરકારી ઉપરથી દાદાગીરી
ભાનુબેન નામના દર્દીની જગ્યાએ બાનુબેન નામના દર્દીનું ઓપરેશન કરી નાખનાર એચસીજી હોસ્પિટલની ગંભીર બેદરકારી ઉપરાંત દાદાગીરી પણ ઓછી નથી. એચસીજી હોસ્પિટલમાં દર્દીઓ કે તેના પરિવાર માટે બહારથી ભોજન લાવવાની મનાઈ છે. એચસીજી હોસ્પિટલમાં દાખલ થનાર અને રહેનારને ફરજિયાત ત્યાંથી જ 100 રૂપિયાની ભોજનની થાળી લેવી પડે છે એટલું જ નહીં અહીં ચેકઅપ કરાવવા આવતા દર્દીઓ પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય તો એચસીજી હોસ્પિટલનાં ડોક્ટર તરત જ ઓપરેશન કરાવવા જણાવી દે છે અને મસમોટું બિલ સરકારી ચોપડે ચઢાવી દે છે. આ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ દર્દીઓ અને તેના પરીવારજનો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. એચસીજી હોસ્પિટલની આવી ઘણી દાદાગીરીઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક વખત એચસીજી હોસ્પિટલ તેની બેદરકારી વઢતામાં દાદાગીરીને લઈ ચર્ચામાં છે.