તે પટકથા લેખક હતા અને હું અભિનેત્રી : ઓશો સાથેના સંબંધો પર મા શીલાનો મોટો ખુલાસો
પરેશ રાજગોર : વિશેષ
આચાર્ય રજનીશ! ભગવાન રજનીશ! કે ઓશો! સુધીની સફરમાં તે વિશ્વના સૌથી પ્રખ્યાત કે કુખ્યાત આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા બન્યા. તેમના 650થી વધુ પુસ્તકો દુનિયાની વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થયા છે. દેશના જ નહીં સમ્ગ્ર વિશ્વના લોકો તેમને માને છે. આજે પણ તેમના પુના આશ્રમની મુલાકાત માટે વર્ષે 200000થી વધુ લોકો વિદેશથી આવે છે, એવું અનુમાન છે.
સામાન્ય વ્યાખ્યાન કરનારથી વિદેશમાં રોલ્સ રોય ગુરુના ઉપનામ સુધીની તેમની સફર અકલ્પનિય છે. તેમના અમેરિકાના 64000 એકરના રજનિશપુરમ સુધીની સફરમાં તેમનો જમણો હાથ રહેલા મા શીલા આનંદ. 1981થી 1985 દરમિયાન તેઓ તેમના અંગત સચીવ અને સંસ્થાના સેકન્ડ ઇન હેન્ડ કમાન્ડ તરીકે મા આનંદ શીલા ભગવાન રજનીશ સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેમના ખાસ રહેવા સાથે બંન્ને વચ્ચેનો ખટરાગ પણ એટલો જ વિવાદસ્પદ હતો. ઓશોએ તેમના પર અનેક આક્ષેપ મૂક્યા હતા. તેમના આ આરોપોની સિક્કાની બીજી બાજુ પણ હતી. જે મા આનંદશીલાના શબ્દોમાં જાણવા એક પુસ્તક વિશે આજે ખાસ વાચકોનું ધ્યાન દોરવું છે. ઓશો સાથેના વર્ષોના સંબંધો અંગે મા આનંદ શીલાએ એક પુસ્તક લખ્યું હતું. Don’t kill him! તેનો ગુજરાતી અનુવાદ તેને ન મારશો! નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો છે. પુસ્તક સિક્કાની બીજી બાજું વર્ણવે છે. ઓશોના ચાહકો અને ટીકાકારો બન્ને એ આ પુસ્તક વાચવું જોઇએ.
મા આનંદ શીલાને નામે ઓળખાતા ઓશોના મુખ્ય સહાયકનો જન્મ વડોદરાના અંબાલાલ પટેલ નામના ગુજરાતી પરિવારમાં થયો. તેમની માતાનું નામ મણીબહેન હતું. 18વર્ષની વયે તેઓ અમેરિકા ભણવા જતાં રહ્યાં. તેઓ વીસ વર્ષની વયે ઓશો સાથે જોડાયા અને તેમને શીલાને સ્થાને મા આનંદ શીલાનું ઉપનામ મળ્યું. તેમના જ શબ્દોમાં તેમના ઓશો સાથેના સંબંધોને સમજી શકાય છે.
‘તે એક પટકથા લેખક હતા અને હું તેની અભિનેત્રી! તેમના મુજબ ભૂમિકા ભજવવી ઘણી મુશ્કેલ હતી. હું પણ વાંસ બને તેને તેમાં કાણા પાડીને મારા દ્વારા સંગીત વગાડવા દેવા માટે તૈયાર હતી!”
ભગવાનને જયારે પણ પોતાની અંગત સમસ્યાઓ બાબત ચર્ચા કરવી હોય, નાના મોટા કર્યો કરવાના હોય કે નવી રોલ્સ રોયનો ઓર્ડર આપવાનો હોય ત્યારે તેઓ મા શીલાને જ બોલાવતા. મા શીલા સૌથી વિશ્વાસુ અને નજીકના સહાયકોમાંથી એક હતાં. જ્યાં સુધી તેમની વચ્ચે મતભેદો ઊભા ન થયા ત્યાં સુધી તેણે ભગવાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમુદાયનું સંચાલન કર્યું.
પછી જે થયું તે મા શીલાએ વર્ષોના વફાદાર પદ પરથી રાજીનામું આપી, તેમના કેટલાક સાથીઓ સાથે સમુદાય છોડી યુરોપ જતાં રહ્યાં. પોતાનો કુખ્યાત ઈતિહાસ ધરાવતા ભગવાને ગુસ્સામાં મા શિલા પર બાયો-ટેરર એટેક, જાહેર અધિકારીની હત્યાનું કાવતરું ઘડવાનો અને તેમના 55 મિલિયન ડોલર લઈને ભાગી જવા જેવા આરોપો લગાવ્યા. મા શીલાને કેટલાક આરોપો માટે કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યાં. પરિણામે તેમને 39 મહિના જેલમાં વિતાવવા પડ્યા.
બે દાયકા પછી હજુ પણ મા શીલા તેમના ભગવાનને પ્રેમ કરે છે અને તેમણે શીખવેલું અને તેમના ઉપદેશોને અનુસરે છે. આખરે સત્ય ખૂબ જ અલગ હોવાનો દાવો કરીને, ભગવાનના જીવનના તે ભાગ પર જ્યાં અત્યાર સુધી ગુપ્તતા અને આવરણનો ઓછાયો છવાયેલો હતો. એ ભાગ પર વાર્તાની પોતાની બાજુ કહીને પ્રકાશિત કરે છે.
જેલની સજા બાદ ઘણા વર્ષો તેમણે સ્વીટઝરલેન્ડમાં વીતાવ્યાં. ઓશોના સાધકોએ આ પુસ્તક અચૂક વાચવું જોઇએ. 272 પાનામાં તે સમયની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. પુસ્તકની એક ત્રુટી બાબતે અહીં ખાસ ધ્યાન દોરવું રહ્યું. પુસ્તક સંપૂર્ણ અનુવાદ છતાં તેમાં અસહ્ય કહી શકાય એટલી જોડણીની ભૂલો છે. જે પ્રકાશકે નવી આવૃત્તિ વખતે ખાસ સુધારવી રહી.




