ગુજરાતના યુવા નેતાને મળવા અને વધાવવા ભાજપ સમર્થકોનો માનવ મહેરામણ ઉમટી પડયો: રોડ શોમાં સાફા, પાઘડી, પુષ્પ ગુચ્છ, ત્રિશુલ સ્વરૂપે શુભેચ્છારૂપી આશીર્વાદ પાઠવતાં વેપારીઓ અને અગ્રણીઓ
રોડ શૉને અભૂતપૂર્વ પ્રતિસાદ આપી સફળ બનાવવા બદલ રાજકોટની જનતા અને ભાજપના કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરતાં ડૉ. માધવ દવે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત હાંસલ કરવા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવારના પ્રચાર માટે તેમજ ગુજરાતના યુવા નેતાને મળવા અને વધાવવા રાજકોટ પધારેલ હતા. આ તકે ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. હર્ષભાઈ સંઘવીએ ત્રિકોણબાગ ચોકમાં ઢેબરભાઈ ની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી રોડ શો નો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ રાજકોટનાં રાજવી સર લાખાજીરાજજીની પ્રતિમાએ નમન કરવા ગયાં હતાં, ત્યાં રાજકોટનાં હાલનાં રાજવી માંધાતાસિંહજી એ સ્વાગત અને અભિવાદન કરેલ હતું. રોડ શો દરમિયાન સોની બજાર સ્થિત માંડવી ચોક દેરાસરના દર્શન કર્યા, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે પણ આશિર્વાદ લીધા હતા. અંતે બાલાજી દાદાનાં દરબારમાં શીશ ઝુકાવી આશિર્વાદ સાથે રોડ શોનું સમાપન કરેલ હતું. રાજકોટ શહેરના મુખ્ય બજારોમાં ખુલ્લા વાહનમાં સૌ લોકોનું અભિવાદન કરતાં હતાં.
આ તકે રોડ શોમાં રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, ધારાસભ્ય અને પૂર્વમંત્રી ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસીંહ ઝાલા સહિત રાજકોટ શહેર પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ શહેર મહામંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શો દરમિયાન મુખ્ય બજારોના વેપારી ભાઈઓ અને અગ્રણીઓ દ્વારા હર્ષભાઈ સંઘવીને સાફા, પાઘડી, પુષ્પ ગુચ્છ, ત્રિશુલ, ફરશી ભેટ સ્વરૂપે આપી શુભેચ્છારૂપી આર્શિવાદ પાઠવવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના સમગ્ર રોડ શો દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં સાફા અને કેસરીયા ખેસ તથા ભાજપનાં ઝંડાઓથી સમગ્ર વાતાવરણ કેસરી બન્યું હતું અને નરેન્દ્રભાઈ મોદી, ભુપેન્દ્રભાઈ પટેલ અને જયશ્રી રામના જયધોષથી રાજકોટની બજારો ગુંજી ઉઠી હતી. આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની રાજકોટ શહેરની મુલાકાત, રોડ શો સહિતના કાર્યક્રમોમાં ન ભૂતો ન ભવિષ્યતે એવો અભૂતપૂર્વ પ્રતિસાદ આપી સફળ બનાવવા બદલ રાજકોટની જનતા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ – બહેનોનો હ્રદયથી આભાર માન્યો હતો.



