ભાજપ સરકાર અને રાજકોટના નાગરિકોની જુગલ જોડીને આપણે કાયમ માટે અકબંધ રાખવાની છે : હર્ષ સંઘવી
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત હાંસલ કરવા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવારના પ્રચાર માટે રાજકોટ પધારેલ હતા. આ તકે રાજકોટના સયાજી હોટલ ખાતે પ્રબુધ્ધ નાગરીકો સાથે સંમેલન યોજવામાં આવેલું હતું. આ સંમેલનમાં રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસીંહ ઝાલા સહિત રાજકોટ શહેર પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ શહેર મહામંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં અને ગુજરાત રાજયમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશ અને ગુજરાત રાજયનો વણથંભ્યો વિકાસ થઈ રહ્યો છે અને લોકોની સુખાકારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાજપની સરકાર અને રાજકોટના નાગરિકોની જુગલ જોડીને આપણે કાયમ માટે અંકબંધ રાખવાની છે. કોઈ પણ બીજી પાર્ટીની દોરવણીમાં આવીને એક પણ સીટમાં કોઈને ડીપોઝીટ ગુમાવવી પડે તેના કરતાં વધુ મત ન મળવા જોઈએ.



