અંદાજે 4500 ચોરસ મીટર સરકારી જમીન પર બુલડોઝર ફરી વળ્યું: 50 ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા
તંત્રના કડક વલણને પગલે શહેરના અન્ય ભૂમાફિયાઓ અને દબાણકારોમાં પણ ફફડાટ
- Advertisement -
ઓપરેશનને અંજામ આપવા માટે તલાટીની ટીમ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ, પીજીવીસીએલ પોલીસ સ્ટેશનની ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી
રાજકોટ શહેરમાં કલેક્ટર તંત્ર દ્વારા લાંબા સમયના વિરામ બાદ આજે દબાણ હટાવવાનું એક મોટું ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના મવડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન પર ઊભી થઈ ગયેલી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. દક્ષિણ મામલતદારના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ઓપરેશનમાં ₹૯ કરોડની અંદાજિત કિંમત ધરાવતી ૪૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત કરાવીને ખુલ્લી કરવામાં આવી છે.
- Advertisement -
મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં વલ્લભ વાટિકાની સામે આવેલા સરકારી સર્વે નંબર ૧૯૪ પૈકીની ટી.પી. ૨૮, એફ.પી. ૪૮/૧ વાળી કિંમતી સરકારી જમીન પર લોકોએ પ૦ જેટલા કાચા-પાકા ઝૂંપડા બાંધીને ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો હતો. અહીં છેલ્લા ત્રણેક વર્ષથી આશરે ૫૦ જેટલા આસામીઓ છૂટક મજૂરી કરીને રહેતા હતા અને જમીન પર દબાણ વધારી રહ્યા હતા. આ કિંમતી જમીન ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ ૨૦૨ હેઠળ તમામ દબાણકારો સામે કેસ ચલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ પરિવારોને ૩ મહિના પહેલા પ્રથમ નોટિસ આપવામાં આવી હતી અને ૧૫ દિવસ પહેલા જ આખરી અલ્ટીમેટમ આપતી અંતિમ નોટિસ ફટકારાઈ હતી.
તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવેલી નોટિસ અને સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પણ જ્યારે દબાણકારો દ્વારા જમીન ખાલી કરવામાં ન આવી, ત્યારે આજે સવારે દક્ષિણ મામલતદાર, સર્કલ ઓફિસર અને નાયબ મામલતદારની આગેવાનીમાં કાફલો ઘટનાસ્થળે ત્રાટક્યો હતો. આ મેગા ડિમોલિશન ઓપરેશનને અંજામ આપવા માટે તલાટીની ટીમ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ, પીજીવીસીએલ (PGVCL), પોલીસ સ્ટેશનનો ચુસ્ત બંદોબસ્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી. મનપાની ભારે મશીનરી અને બુલડોઝરની મદદથી તમામ ૫૦ ગેરકાયદેસર ઝૂંપડાઓ તોડી પાડીને કરોડો રૂપિયાની સરકારી મિલકત ખુલ્લી કરાવવામાં આવી હતી. કલેક્ટર તંત્રના આ કડક વલણને પગલે શહેરના અન્ય ભૂમાફિયાઓ અને દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
- સ્થળ અને દબાણની સ્થિતિ: મવડીના સરકારી સર્વે નંબર ૧૯૪ પૈકીની ટી.પી. ૨૮, એફ.પી. ૪૮/૧ વાળી સરકારી જમીન પર લોકોએ ૫૦ જેટલા કાચા-પાકા ઝૂંપડા બાંધીને ગેરકાયદેસર દબાણ કર્યું હતું. આ જમીન વલ્લભ વાટિકાની સામે આવેલી છે.
- તંત્ર દ્વારા અગાઉ આપેલી નોટિસ: આ સરકારી જમીન ખાલી કરાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ ૨૦૨ હેઠળ તમામ દબાણકારો સામે કેસ ચલાવવામાં આવ્યા હતા. અહીં છૂટક મજૂરી કરીને છેલ્લા ત્રણેક વર્ષથી રહેતા ૫૦ આસામીઓને (પરિવારોને) ૩ મહિના પહેલા પ્રથમ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૫ દિવસ પહેલા અંતિમ નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા માટેનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.




