વેરો ભર્યા બાદ ફરી વેરા સ્લીપ કેમ? : શિવસેનાનો સવાલ
ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર નગરપાલિકામાં ચાર વર્ષથી ચલાવવામાં આવી રહેલા ધરમપુર વિસ્તારના વેરા ઉઘરાણીની છેતરપીંડી મામલે શિવસેનાએ ગંભીર આક્ષેપ કર્યા છે. શિવસેના દ્વારા પોરબંદર નગરપાલિકા કમિશ્નરને આવેદન પત્ર પાઠવી સમગ્ર મામલે તાકીદે તપાસની માંગ કરાઈ છે. શિવસેનાના જીલ્લા પ્રમુખ નારણભાઈ સલેટના નેતૃત્વ હેઠળ કાર્યકરોના પ્રભાવશાળી પ્રદર્શન દરમિયાન જણાવાયું કે પોરબંદર નગરપાલિકા દ્વારા ધરમપુર ગ્રામ પંચાયતને રાજકીય લાભ માટે નગરપાલિકામાં ભેળવી દેવાઈ હતી. આ પછી આ વિસ્તાર માટે એક ખાસ કચેરી શરૂ કરાઈ, જ્યાં વેરા ઉઘરાવવાની કામગીરી શરૂ થઈ. માહિતી મુજબ 2022થી અત્યાર સુધીના કરોડો રૂપિયાના વેરા ઉઘરાવ્યા બાદ પણ આ રકમ મુખ્ય કચેરી સુધી પહોંચી નથી.
- Advertisement -
શિવસેનાએ દાવો કર્યો છે કે વેરાની રકમ કચેરીમાં જમા કરાવવામાં નહીં આવી હોવાના કારણે મકાનધારકોને ફરીથી વ્યાજ સાથે વેરો ભરવાનું મજબૂર કરવામાં આવ્યા છે. તત્કાલીન ચીફ ઓફિસર અને હાલ પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. શિવસેનાના નેતાઓના જણાવ્યા મુજબ ચતુર્વેદીને આ ગેરરીતિ અંગે જાણ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તે ઉપરાંત ધરમપુર કચેરીના કર્મચારીઓ અને પોરબંદરના ખ્યાતનામ પરિવારની ભ્રષ્ટાચાર સાથે સંડોવણીની વાત પણ ઉઠાવવામાં આવી છે. શિવસેનાએ ચીફ ઓફિસર અને ભ્રષ્ટ કર્મચારીઓ સામે તાકીદે તપાસ કરવાની માંગણી કરી છે. તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પુરાવાઓ સાથે કોર્ટનો દીઠો રસ્તો અપનાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં શિવસેના ના જીલ્લા પ્રમુખ નારણભાઈ સલેટ, જીલ્લા માલધારી સેના પ્રમુખ રામભાઈ કોડીયાતર, શહેર ઉપપ્રમુખ કિશનભાઈ, જીલ્લા મહિલા પ્રમુખ પાયલબેન દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવસેના દ્વારા જણાવાયું છે કે પોરબંદરના નાગરિકો માટે ન્યાય મેળવવામાં કોઈ કસર બાકી નહીં રાખવામાં આવે. આ સમગ્ર મામલે પાલિકા તંત્રની ચુપ્પી સામે સવાલો ઉઠાવાતા, આક્ષેપોની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે તો આગામી દિવસોમાં જ જોવું રહ્યું. આમ, પોરબંદર નગરપાલિકાના આ ભ્રષ્ટાચારના મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે હાલની રસપ્રદ ચર્ચાનો
વિષય છે.