રાજકોટ શહેર કોંગ્રેસે સરકારની નીતિઓ સામે અનોખા પ્રતિકાત્મક કાર્યક્રમો યોજ્યા
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશમાં વધતી મોંઘવારી, NEET પેપર લીક કૌભાંડો સહિતના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વિરોધને પ્રતિકાત્મક અને જનજાગૃતિમય બનાવવા કોંગ્રેસ દ્વારા “મોંઘવારીની જેલ”નું નિર્માણ કરાયુ હતું. આ જેલમાં સામાન્ય જનતાને કેદી તરીકે દર્શાવી એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જીવન જીવવા મજબૂર બની છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોનું બજેટ ખોરવાઈ ગયા છે. કોંગ્રેસના હોદ્દેદારોએ ખાદ્યતેલના ડબ્બાના વિશેષ વેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રતિક દ્વારા રસોડાની સૌથી જરૂરી વસ્તુ ગણાતા ખાદ્યતેલના વધતા ભાવો સામે સામાન્ય પરિવારોની વ્યથા રજૂ કરી હતી. આજે સામાન્ય નાગરિક પોતાની આવકનો મોટો હિસ્સો માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં જ ખર્ચી નાખવા મજબૂર બન્યો છે. NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા વિશેષ “પેપર લીક રથ” તૈયાર કરાયો હતો. રથ પર પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂક્યા હતા. આ માધ્યમથી કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થયો છે કે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે. તેમણે કહ્યું હતું કે ગેસ સિલિન્ડરથી લઈને ખાદ્યતેલ અને શાકભાજી સુધી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે, જ્યારે લોકોની આવકમાં તે મુજબનો વધારો થયો નથી. પરિણામે સામાન્ય જનતા જાણે મોંઘવારીની જેલમાં કેદ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમ્મરે પણ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે પેપર લીકની ઘટનાઓના કારણે અનેક વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાં આવી ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા જેવા ગંભીર પગલાં પણ ભર્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આવી દુઃખદ ઘટનાઓ માટે ભ્રષ્ટ અને નિષ્ફળ વ્યવસ્થા જવાબદાર છે. તેમણે જવાબદારો સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનના અંતે રાજકોટ શહેર કોંગ્રેસે સરકાર સમક્ષ મોંઘવારી પર નિયંત્રણ લાવવા તાત્કાલિક અસરકારક પગલાં લેવા, પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો કરવા, ખાદ્યતેલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચમાં રહે તે માટે રાહત આપવાની માંગ કરી હતી.
કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમ્મર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.




