પીપાવાવ પોર્ટ- કોસ્ટગાર્ડની સુરક્ષા બાબતે સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
ઓપરેશન સિંદૂરને લઇ સર્જાયેલી સ્થિતિમાં જીલ્લાના દરિયા વિસ્તારોમાં સુરક્ષા સંદર્ભે નાગરિકોમાં જાગૃતિ આવે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી કલેકટર પરિમલ પંડ્યાએ ગત શુક્રવારે રાજુલા- જાફરાબાદ તાલુકાના દરિયાઇ તટીય વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઇ વિવિધ કચેરી કામગીરીની વિગતો મેળવી હતી. આ સંદર્ભે તેમણે સંબંધિત કચેરીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ સાથે પીપાવાવ પોર્ટ વિસ્તારની પણ મુલાકાત કરી હતી. અને પીપાવાવ પોર્ટ દ્વારા સુસજ્જતાના ભાગરૂપે પોર્ટના ઉરચ અધિકારીઓ પાસેથી હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સહિતની વિગતો મેળવી હતી. આ તકે સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય અને રાજુલા જાફરાબાદ પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા પણ જોડાયા હતા.