આવતીકાલે ગુરુવારે સાંજે 5થી 6 રાષ્ટ્રીય શાળા ખાતે પ્રાર્થના સભા
આજ રોજ સવારે અકિલા પરિવારના લાડલા દીકરી ભાવનાબેન (ધારાબેન) દીપકભાઈ નાગ્રેચાની અંતિમ યાત્રા નીકળી હતી, અંતિમ યાત્રામાં ગણાત્રા પરિવારના સભ્યો, રઘુવંશી સમાજના સગાવ્હાલાઓ તેમજ મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અકિલા અને ગણાત્રા પરિવાર ટૂંક સમયમાં વધુ એક આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા ચારેક વર્ષમાં નાનાભાઈ રાજુભાઈએ અને વીણાબેન અજીતભાઈ ગણાત્રાએ ચીર વિદાય લીધા પછી ગઈકાલે ઓચિતા જ નાના બહેન ભાવનાબેન (ધારાબેન) દીપકભાઈ નાગ્રેચાએ લાંબા ગામતરાની વાટ પકડતા પરિવાર ઉપર વીજળી ત્રાટકી હોય તેવો આઘાત સર્જાયો છે.
અકિલા અને ગણાત્રા પરિવાર ઉપર છેલ્લા ચાર વર્ષમાં આ ત્રીજો અસહ્ય, કારમો ઘા આવી પડ્યો. ઈશ્વર દીકરી ભાવનાના આત્માને શાશ્વત શાંતિ અર્પી પોતાનામાં સમાવી લ્યે તેવી પ્રાર્થના.
સ્વ. બાબુભાઈ (ગુણવંતરાય) લાલજીભાઈ ગણાત્રા (જય સૌરાષ્ટ્ર પ્રેસ – અકિલા દૈનિક) અને સ્વ. શાંતાબેન ગુણવંતરાય ગણાત્રાના પુત્રી અને શ્રીમતી માનસી અભિજીત પારઘીના માતુશ્રી ભાવનાબેન (ધારાબેન) દીપકકુમાર નાગ્રેચા તા. 21-4-2026ને મંગળવારે શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ દિપકભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (મૂળ સાવરકુંડલા હાલ રાજકોટ)ના ધર્મપત્ની અને હર્ષદભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (ભાવનગર) અને દિલીપભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (દમણ)ના નાના ભાઈના પત્ની તથા દીપ્તિબેન નટવરલાલ ગોંધીયા (ભાવનગર) અને ભાવનાબેન વિપુલભાઈ ઠક્કર (લંડન)ના ભાભી તથા જલારામ જ્યોતના તંત્રી સુરેશભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના મેનેજિગ તંત્રી કિરીટભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના ચીફ તંત્રી અજીતભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા સ્વ. રાજુભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા મીનાબેન હરીશભાઇ ચગ, ભારતીબેન લલીતભાઈ સવજીયાણી, સ્મિતાબેન સુનિલભાઈ રાયચૂરાના બહેન તથા અકિલાના એક્ઝિક્યુટિવ એડિટર અને અકિલાની વેબસાઈટના એડિટર નિમિશભાઈ કિરીટભાઈ ગણાત્રા તથા કિરણબેનના ફઈબા થતા હતા. તેમની સ્મશાન યાત્રા આજે બુધવારે તા. 22-4-2026ની સવારે 10:30 વાગ્યે અકિલા કાર્યાલય મોટી ટાંકી ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, અગ્રણીઓ, જ્ઞાતિજનો જોડાયા હતા. સ્વ ભાવનાબેન દીપકભાઈ નાગ્રેચાની પ્રાર્થના સભા (પિયર અને સાસરીયા પક્ષની – ભાઈઓ અને બહેનોની) આવતીકાલે ગુરુવારે તા. 23-4-2026ના સાંજે પાંચ થી છ વચ્ચે રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલ રાજકોટ ખાતે રાખી છે.



