કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
અલાદીન અને એના જાદુઈ ચિરાગની વાર્તા જાણીતી છે…. આ અરેબિયન નાઈટસની વાર્તા છે. અરેબીયન નાઇટ્સ આપણી બત્રીસ પૂતળીઓ ની વાર્તાનું અરેબિક (અને સાથે વલ્ગર અને હલકી કક્ષાનું) વર્ઝન કહી શકાય.. કેમકે એમાં અત્યંત ભિબત્સ કહેવાય એવા ઉલ્લેખો અને પ્રસંગો ઠેર ઠેર છે.
- Advertisement -
અલાદીન આમ તો ગરીબ છોકરો હોય છે પણ એને હાથે એક દીવો લાગી જાય છે.. અરબ જગતમાં માન્યતા હતી કે દિવાઓમાં જિન્ન રહેતા હોય.. આથી, અલાદીનને દીવા (એટલે કે ચિરાગ) થકી એની અંદર રહેલો જીન્ન મળી જાય છે. જીન્ન છે જબરો શક્તિશાળી પણ એને કોઈ જાદુગરે દીવાની અંદર પૂરી દીધો હોય છે.આથી, જીન્ન, પોતાને જેણે ચિરાગથી મુક્ત કર્યો છે તેવા અલાદિનનો સેવક બનીને રહે છે અને અલાદીન જે માંગે તે ઇચ્છા પૂર્ણ કરે છે.
અલાદીન હોંશિયાર છોકરો હોય છે. તે જીનીને કામ સોંપે છે પણ એનો દુરુપયોગ નથી કરતો. શક્તિશાળી જીની ધારે તો અલાદીનને અત્યંત ધનવાન બનાવી શકે પણ અલાદીન એવું કાઇ માંગતો નથી.તે આવો પાવરફુલ જીન્ન પોતાની પાસે હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપ એવા ગરીબ છોકરાની જેમ રહે છે.. મોંઘા કપડાં નથી પહેરતો.. મોંઘા નિવાસ સ્થાનમાં નથી વસતો કે નથી કોઈ મોંઘા શોખ પાળતો.. આથી, અલાદીન હમેશા પ્રસન્ન રહે છે. મગરબા નામનાં રાજ્યની રાજકુમારી જસમીનને અલાદીનની આ સાદગી અને ખરેખર તો સ્માર્ટનેસ ગમી જાય છે… છેવટે અલાદીન જાસ્મીન સાથે લગ્ન કરે છે..
આ અલાદીનની વાર્તા ઉપરથી ડિઝની એ બનાવેલી કાર્ટૂન સિરીઝ અને ફિલ્મ બહુ સફળ રહી ..
- Advertisement -
અલાદીનને તો અનાયાસે જાદુઈ ચિરાગ મળ્યો’તો, પણ ટેકનોલોજી અને સાયન્સના વિકાસને લીધે આજે બધા માણસો પાસે જાદુઈ ચિરાગ છે ! બધા પાસે શક્તિશાળી જીન્ન છે ! આ શક્તિશાળી જીન્ન નું નામ મોબાઈલ ફોન!
અલાદીનનો જીન્ન અલાદીનને સતત મોટીવેટ કરે છે, એન્ટરટેઇન કરે છે.. સતત જોક મારે છે.. એને હસાવે છે.. અલાદીનને જે કાઇ ચીજ વસ્તુઓની જરૂર હોય એને તાત્કાલિક હાજર કરે છે.. તો આપણો જીની પણ જરાય કમ નથી.. આપણને ભૂખ લાગે તો જીની પાંચ દસ મિનિટમાં (ઝોમાટો કે સ્વિગી થકી) મનગમતું ફૂડ આપણને ઘરે પહોચાડે છે.. કરિયાણું લેવું હોય કે ઇલેક્ટ્રોનિક્સ, કપડાં લેવા હોય કે વાહન લેવા હોય..પ્લોટ મકાનના ભાવ જાણવા હોય કે એર ટિકિટ બુક કરાવવી હોય…મોબાઈલ જીનીને જરા ખંખોળો એટલી વાર..
આવું તાત્કાલિક સુખ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવાય.. મોટાભાગના લોકોને આ તાત્કાલિક સુખ એકદમ નિર્દોષ લાગે છે .. પણ નિર્દોષ દેખાતી ચીજ ઘણીવાર ડેન્જર હોઇ શકે એવું આ કેસમાં પણ લાગુ પડે છે. એકચ્યુલી મોકાણ એની છે કે માણસના શરીરનું ઘડતર તાત્કાલિક સુખ મેળવવા માટે નથી થયેલું..
માણસના શરીરની રચના એવી છે કે એને કોઈ પણ વસ્તુ થોડી કે ઘણી મહેનત, ત્રાસ, પીડા, દુઃખ, કસરત, પ્રતીક્ષા પછી મળે તો જ એ નોર્મલ રહે..
હવે કોઈ કહેશે કે જો માણસને કોઈપણ વસ્તુ સાવ ઓછી મહેનત થકી મળી જાય તો એમાં વાંધો શું?? માણસે એની માટે તો મશીનો બનાવ્યા છે કે માણસને ઓછી મહેનતથી પ્રોડક્ટ મળે..
પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ વાતને શરીર નથી સમજી શકતું. સહજ રીતે દારૂ કે ડ્રગ મળે તો એમાં માણસ ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે. એની પાછળનું કારણ એ છે કે આ રસાયણો એને તાત્કાલિક સુખ આપે છે.. એકવાર તાત્કાલિક સુખની શરીરને ટેવ પડે એટલે શરીર સતત એવું તાત્કાલિક સુખ લેવા તલપાપડ થઈ જાય છે.. પોર્ન ફિલ્મો જોવા વાળાઓ થોડા જ સમયમાં એના પાકા બંધાણી બને છે કેમકે એનું શરીર પણ કોઈ “મહેનત” (ફીઝીક્લ રિલેશન) બાંધ્યા વિના કોકની મહેનતથી “સુખ” પ્રાપ્ત કરવાની લહાયમાં વધુને વધુ , નવુને નવું પોર્ન જોવા પ્રેરાય છે.
દારૂ ડ્રગ વગેરેને રવાડે ચડેલા ને રીતસર રિહેબ સેન્ટર (નશા મુક્તિ કેન્દ્ર) માં સારવાર માટે મોકલવો પડે એટલી હદે તે એનો ગુલામ બની ચૂક્યો હોય છે.. એમ પોર્ન ફિલ્મો જોવા વાળા પણ એની જાળમાં વધુને વધુ ફસાતા જાય છે, એને પોતાના રિયલ સંબંધોમાં રસ ઘટતો જાય છે અને સતત નવીન પ્રકારનું પોર્ન જોવા તે પ્રેરાય છે. કેટલાય લોકોને ખરા ફીઝીક્લ રિલેશન બાંધવાની ક્ષમતા પણ નાશ પામે છે..
પોર્ન દારૂ અને ડ્રગ તો જાણીતા વિલન છે.. પણ સોશિયલ મીડિયા, મનોરંજન માટે બનતું કન્ટેન્ટ અને પેકેટમાં મળતા ફૂડ પણ ઓછા નિર્દોષ નથી.. સોશિયલ મીડિયા સતત કન્ટેન્ટ પીરસીને માણસને આનંદ પ્રેરક હોર્મોનનો ડોઝ આપ્યા કરે છે..સોશિયલ મીડિયાના બંધાણ નો ભોગ બનેલો માણસ અવિરત સ્ક્રોલિંગ કરીને કલાકો વેડફે છે. ભારતના યુવાનોમાં આ બંધાણ ભયજનક સપાટીથી અનેક ગણું ઉપર છે. અનેક યુવાનો આને કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓથી પીડાય છે..
તાત્કાલિક ભૂખ શમન કરતા ફૂડ પેકેટ પણ ટેવ જન્માવે એવા સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. આ ફૂડ પેકેટ અને હોટેલોનું ભોજન લેવા ટેવાયેલા લોકોને સતત વધુને વધુ સ્પાઇસી ટેસ્ટી ફૂડ ખાવા જોઈએ છે.. પશુની જેમ ખાધા પછી પણ એને તૃપ્તિ નથી થતી.. સરવાળે તે હ્રદયરોગ, ડાયાબિટીસ અને એ ઉપરાંતની અનેક બિમારીઓનો ભોગ બને છે..
માણસના જીવનનો મુખ્ય ધ્યેય આનંદ છે. દરેકને આનંદની અનુભૂતિ કરવી છે પણ આનંદ ક્યા છે એની જાણકારી બધાને નથી. આથી લોકો તાત્કાલિક સુખ આપતી ક્રિયાઓમાં સપડાય છે. એની જાળમાં સપડાતા જાય છે ને છેવટે એક નિર્બળ મૂર્ખ સમાજનું નિર્માણ કરે છે.
નવરાત્રીનો દાખલો લઈ લો.. મુલાધાર ચક્રમાં રહીને જીવન બળ આપતી કુંડલિની માતાને આપણે સવિતા, સાવિત્રી, પાર્વતી, ઉમાં,અંબા, ભવાની, ચામુંડા, મહાકાળી એવા નામ આપીને સર્વોપરી ગણી.. આ માતાની આરાધના નવરાત્રમાં થાય. પણ મૂર્ખ લોકોએ ધીમે ધીમે આ નવરાત્રીને ભોગ ઉત્સવ બનાવ્યો. આજે નવરાત્ર માં ખાવું પીવું નાચવું વ્યસન કરવા ..કોમન ગણાય એટલી હદે દેખાય છે. તાત્કાલિક સુખની જાળમાં ફસાઈ ગયેલા આજના લોકોએ ગરબામાંથી માતાને કાઢીને એને ફન ગીવિંગ ઇવેન્ટ બનાવી દીધી.. જે નવરાત્રિ એક કમ્યુનિટી ઇવેન્ટ હતી એને ઉદ્યોગ બનાવી કાઢી..
અન્ના લેમ્બકે નામની લેખિકાએ ડોપામાઇન નેશન નામની એક પુસ્તક લખી છે.. આ પુસ્તક આપણને સહુને એક ચેતવણી સમાન છે.. એન્ના કહે છે કે આજે આપણે સહુ એક જ દેશમાં રહીએ છીએ જેનું નામ છે ડોપામાઈન નેશન !! લોકો સુખ સુવિધાને કારણે સતત સુખમાં રમમાણ છે. સંઘર્ષ, મહેનત અને દુઃખ ઘટતા જાય છે. પણ આ ડોપામાઈન નેશનમાં લોકો સુખી કે આનંદિત નથી. કેમકે લોકો સતત વધુને વધુ સુખ પ્રાપ્તિની લ્હાયમાં દારૂડિયા કે જુગારીની જેમ વધુને વધુ હોમાતા જાય છે.. એમના ડોપામાઈન રીસેપ્ટર્સ સાવ બહેરા થઈ જાય છે. એમને સામાન્ય વાતોમાં રસ નથી પડતો.. પોતાના બાળકો, પોતાના પતિ/પત્ની એમને નીરસ લાગે છે.. જાતે બનાવેલી રસોઈની મજા એમને પ્રભાવિત નથી કરતી. ક્રિકેટ જોવાનું ગમે છે પણ રમવાનું કહીએ તો એને તાણ પડે છે… આ સ્થિતિ ડોપામાઇન સેચ્યુરેશન છે જે આગળ જતા રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે..
અલાદીન પાસે જીની હોવા છતાં તે એકદમ ડાઉન ટુ અર્થ જીવન જીવે છે. કેમકે અલાદીન જાણે છે કે જો બધું મળી જશે તો ડોપામાઇન રીસેપ્ટર્સ સુન્ન પડી જશે અને જીવન જીવવાનો જલસો ય સુન્ન પડી જશે.. આથી સ્માર્ટ અલાદીન જીનીનો ઉપયોગ બહુ સંભાળીને કરે છે. એ મુફલીસની જેમ રહે છે, માપસર ખાય છે, જાતે મહેનત કરીને , સંઘર્ષ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને બહુ જરૂર પડે તો જ ચિરાગ ઘસીને જીનીને બોલાવે છે.
અલાદીનને સુખનું સરનામું ખબર છે.. તમને ખબર છે ?



