મધ્યપૂર્વનું સંકટ વધુ વકરવાના ભણકારા
અરામકો કંપનીના વહિવટી સંકુલમાં મિસાઈલ ઝીંકાયા બાદ આગ લાગી
- Advertisement -
જવાબમાં સાઉદી ગઠબંધનના યમનમાં હુથી ઠેકાણાઓ પર ભીષણ એરસ્ટ્રાઈક
મધ્યપૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચેનુ યુદ્ધ હવે યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ તથા સાઉદી અરેબીયા વચ્ચે ફોકસ થઈ ગયુ હોય તેમ આજે વધુ એક જબરદસ્ત પ્રહાર થયો હતો. હુથી વિદ્રોહીઓએ વધુ એક વખત વિશ્વની સૌથી મોટી તેલકંપની અરામકોને નિશાન બનાવી હતી. મિસાઈલ ઝીંકતા સંકુલમાં આગ ફાટી નિકળી હતી. બીજી તરફ સાઉદી ગઠબંધન દ્વારા યમનના પાટનગર સતામાં હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ત્યારબાદ રિયાધ અને પુર્વીય પ્રાંતમાં મિસાઈલ એલર્ટ જારી થયા હતા. નવા ઘટનાક્રમથી મધ્યપુર્વનુ સંકટ વધુ ગંભીર બનવાના ભણકારા છે. સાઉદી અરેબિયા અને યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક તબક્કામાં પહોંચી ગયો છે. મોડી રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વીય શહેર ધહરાન માં આવેલી વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘સાઉદી અરામકો’ના વહીવટી સંકુલ ને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું હતું.
સાઉદી સરકારી સમાચાર એજન્સી અને ઊર્જા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઈલ હુમલા બાદ અરામકોના મુખ્ય ભવનમાં આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં કંપનીની ઓફિસ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. અરામકોનું આ સંકુલ કંપનીના મુખ્ય ઓપરેશનલ હબ તરીકે કામ કરે છે. અરામકોના ઓઈલ કૂવા, પાઈપલાઈન, રિફાઈનરીઓ અને એક્સપોર્ટ ટર્મિનલ્સ સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, જેના પર થયેલો આ હુમલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે. સાઉદી ગઠબંધન સેનાએ જણાવ્યું છે કે ધહરાન ઉપર હુમલા માટે છોડવામાં આવેલી મિસાઈલના કેટલાક ટુકડા એક રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ પડયા છે. આ ઉપરાંત, સત્તાવાળાઓએ રાજધાની રિયાદ અને દેશના દક્ષિણી ભાગોમાં પણ હુથીઓની અનેક મિસાઈલો અને ડ્રોનને હવામાં જ રોકીને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. આ અગાઉ શનિવારે રિયાદ એરપોર્ટ પર થયેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં ૧૩ લોકોનાં મોત થયા હતા, જેને છેલ્લા એક દશકથી વધુ સમયમાં સાઉદી અરેબિયાની ધરતી પર થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.




