બજરંગ દળના કેન્દ્રીય પ્રમુખ કિશનજી પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં ધર્માંતરણમુક્ત સમાજનો સંદેશ અપાશે
રેસકોર્સ મેદાન ખાતે 20 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે રાવણ દહન સાથે શસ્ત્રપૂજા તથા ફટાકડાના શો યોજાશે
- Advertisement -
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય અને અસત્ય પર સત્યની જીતના પ્રતીક સમાન વિજયાદશમીના પર્વની રાજકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દશેરા મહોત્સવ સમિતિ દ્વારા આગામી 20 ઓક્ટોબર, મંગળવારના રોજ શહેરના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 6 વાગ્યાથી દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાંનું દહન, શસ્ત્રપૂજા તથા ફટાકડાના શો સહિતના કાર્યક્રમો યોજાશે. આ વર્ષના દશેરા મહોત્સવની વિશેષતા તરીકે આયોજકોએ ધર્માંતરણમુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપવાની થીમ નક્કી કરી છે. આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે બજરંગ દળના કેન્દ્રીય પ્રમુખ કિશનજી પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેઓ બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક હોવા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રીમંડળ સાથે પણ સંકળાયેલા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, કિશનજી પ્રજાપતિ પોતાના સંબોધન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા અને ધર્માંતરણમુક્ત સમાજના નિર્માણ અંગે વિચાર રજૂ કરશે.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દશેરા મહોત્સવ સમિતિના આગેવાનોની બેઠકમાં આ વર્ષના મહોત્સવની થીમ અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં માવજીભાઈ ડોડીયા, વનરાજભાઈ ગરૈયા, હસુભાઈ ભગદેવ, ભૂપતભાઈ ગોવાણી, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલિયા, પરેશભાઈ રૂપારેલિયા, કૃણાલભાઈ વ્યાસ, કૌશિકભાઈ સરધારા, મનોજભાઈ ડોડીયા, અશ્વિનભાઈ ગોસાઈ, દીપકભાઈ ગમઢા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દશેરા મહોત્સવને સફળ બનાવવા વિવિધ વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દશેરા મહોત્સવને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા, સ્ટેજ, શસ્ત્રપૂજા, ફટાકડાના પ્રદર્શન અને રાવણ દહન સહિતની વિવિધ જવાબદારીઓ માટે કાર્યકરો કામગીરી કરી રહ્યા છે. આયોજનને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




