ફોલોઅર્સના નુસખાથી કંટાળી તામિલનાડુના કન્ટેન્ટ ક્રિએટરને શહેર છોડી ભાગવું પડયું!
સોશિયલ મીડિયા પર પોતાની અંગત વિગતો કે ઘરનું સરનામું જાહેર કરવું કેટલી મોટી મુશ્કેલી નોતરી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો તમિલનાડુમાં સામે આવ્યો છે. મદુરાઈના રહેવાસી અને જાણીતા કન્ટેન્ટ ક્રિએટર વીરમણિને દિવાળીના તહેવાર પર પોતાનું ઘરનું સરનામું અને ફોન નંબર ઓનલાઈન શેર કરવાનો નિર્ણય અત્યંત ભારે પડ્યો છે. વીરમણિએ દિવાળી પર્વે પોતાના ફોલોઅર્સ પાસેથી પ્રેમ અને મીઠાઈ મેળવવાની અપેક્ષા સાથે સરનામું શેર કર્યું હતું. પરંતુ ફોલોઅર્સે તેની સાથે વિચિત્ર પ્રેનન્ક કરવાનું નક્કી કર્યું અને મીઠાઈના બદલે તેના સરનામે મોંઘી ઈલેક્ટ્રોનિક વસ્તુઓના ઓર્ડર આપવાનું શરૂ કર્યું. આ પ્રેન્કમાં સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ કે યુઝર્સે તમામ ઓર્ડર ‘કેશ ઓન ડિલિવરી’ (સીઓડી) મોડ પર મૂક્યા હતા. જેના પરિણામે તેના ઘરે ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા મોંઘા સાધનોના પાર્સલનો ખડકલો થવા લાગ્યો અને ડિલિવરી બોય્ઝ તેની પાસે નાણાંની ઉઘરાણી કરવા લાગ્યા. આ તમામ સામાનની કુલ કિંમત આશરે રૂ. ૧.૬૯ લાખ જેટલી પહોંચી ગઈ હતી. પાર્સલની સંખ્યા અસામાન્ય રીતે વધી જતાં કંટાળેલા ઇન્ફ્લુએન્સરે આખરે હાથ જોડીને એક ભાવુક વીડિયો શેર કરવો પડ્યો હતો. તેણે યુઝર્સને આજીજી કરતાં જણાવ્યું કે, ડિલિવરી કર્મીઓ દૂર-દૂરથી સામાન લઈને આવી રહ્યા છે અને આટલા બધા પૈસા ચૂકવવાની તેની આર્થિક ક્ષમતા નથી, જેથી કૃપા કરીને આવા ઓર્ડર મોકલવાનું બંધ કરો. જોકે, આ આજીજી છતાં કેટલાક અસામાજિક તત્વોએ ઓર્ડર ચાલુ રાખતાં હવે પોતાની સુરક્ષા અને માનસિક શાંતિ ખાતર તેને શહેર છોડીને અન્યત્ર જવાની ફરજ પડી રહી છે.




