દિવાળી, ક્રિસમસ સહિતના તમામ તહેવારો પર રોક; ઉત્પાદન અને વેચાણ પર કોઈ પ્રતિબંધ નહીં
પ્રદૂષણથી શહેરો ગેસ ચેમ્બર બની જવાની હાઈકોર્ટની ગંભીર ચેતવણી; શાળાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવા આદેશ
- Advertisement -
મહારાષ્ટ્રભરમાં તહેવારો અને ધાર્મિક સરઘસો દરમિયાન ફેલાતા અતિશય અવાજ અને વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે બોમ્બે હાઈકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. અદાલતે જાહેર રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ હવે સમગ્ર વર્ષ દરમિયાન લાગુ કરવાનો મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ પ્રતિબંધ આગામી નવરાત્રિ, દિવાળી, ક્રિસમસ તેમજ તમામ તહેવારો અને ધાર્મિક સરઘસો પર સમાન રીતે લાગુ રહેશે. જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોખલેની ખંડપીઠે એક સુઓ મોટો જનહિત અરજી (PIL) ની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે બગડતી જતી હવાની ગુણવત્તા સામે લાલબત્તી ધરતાં ટકોર કરી હતી કે જ્યાં સુધી નાગરિકો પરિસિથતિની ગંભીરતાને સમજશે નહીં અને શહેરી જીવનમાં પ્રદૂષણના લાંબા ગાળાના જોખમો પ્રત્યે જાગૃત નહીં થાય, ત્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં અને શહેરો ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જશે. ખાસ કરીને દિવાળી બાદ ફેલાતું ઝેરી પ્રદૂષણ બાળકો અને વયોવૃદ્ધોના આરોગ્ય માટે જીવલેણ સાબિત થાય છે.
જોકે, અદાલતે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ માત્ર જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા પૂરતો મર્યાદિત છે અને ફટાકડાના ઉત્પાદન કે તેના વેચાણ પર કોઈ રોક લગાવવામાં આવી નથી. આ મામલે ૨૨ સપ્ટેમ્બરે ગણેશોત્સવ પૂરતો અપાયેલો આદેશ હવે વર્ષભર માટે લંબાવી દેવાયો છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, બૃહમુંબઈ મહાનગરપાલિકા (BMC) અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) ને નિર્દેશ આપ્યા છે કે તેઓ સાથે મળીને પ્રદૂષણની ઝેરી અસરો અંગે જાહેર નોટિસો પ્રસિદ્ધ કરે. એક સપ્તાહમાં શાળાઓ અને જાહેર પરિવહનના માધ્યમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવાય, જેમાં સેલિબ્રિટીઓનો સહયોગ લેવા અને ગ્રીન ફટાકડાઓને પ્રોત્સાહન આપવા જણાવાયું છે. સાથે જ પોલીસ તંત્રના સંકલનમાં એક અસરકારક ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવા પણ તાકીદ કરાઈ છે. આ કેસની આગામી સુનાવણી ૨૫ નવેમ્બરે નિયત કરવામાં આવી છે.




