કોડિંગ અને વિશ્લેષણમાં ક્રાંતિ
- Advertisement -
મહિનાઓનું કામ અઠવાડિયામાં પૂર્ણ કરવાની ક્ષમતા; ક્રોમ બ્રાઉઝરના 4 કરોડ લાઈનના કોડમાં મોડલનો ઉપયોગ
એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ પર કોડિંગ એરરમાં 33 ટકાનો ઘટાડો; વૈશ્વિક દિગ્ગજ કંપનીઓએ વપરાશ શરૂ કર્યો
ટેકનોલોજી જાયન્ટ ગૂગલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વધુ એક મોટો સીમાચિહ્નરૂપ કદમ ઉઠાવતા પોતાનું અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ અને અદ્યતન એઆઈ મોડલ ‘જેમિની ૪ આર્ગોન’ (Gemini 4 Argon) સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. આ નવું મોડલ ખાસ કરીને હાઈ-લેવલ કોડિંગ, ફાઇનાન્સિયલ એનાલિસિસ, જટિલ કાયદાકીય વિશ્લેષણ, સાયબર સુરક્ષા અને વૈજ્ઞાનિક સંશોધન જેવા સંવેદનશીલ તેમજ ગહન ક્ષેત્રો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. મોટા સોફ્ટવેર પ્રોજેક્ટ્સમાં માળખાકીય ફેરફાર કરવા, જટિલ એલ્ગોરિધમ ઉકેલવા અને લાંબા સમય સુધી ચાલતી કામગીરીમાં સચોટ પરિણામ આપવા માટે આ મોડલને તૈયાર કરવામાં આવ્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર, તેના એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ પર જેમિની ૪ આર્ગોનનો ઉપયોગ કરતી સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમોમાં એઆઈ એજન્ટ દ્વારા કોડ સબમિશન પ્રક્રિયામાં ૩૫ ટકાથી વધુનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
એટલું જ નહીં, કોડિંગ દરમિયાન થતી ક્ષતિઓ અને ભૂલોને કારણે અગાઉના વર્ઝન પર પાછા ફરવાની (રોલબેક) ઘટનાઓમાં લગભગ ૩૩ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ મોડલની વાસ્તવિક ક્ષમતા સાબિત કરવા માટે ખુદ ગૂગલે પોતાના લોકપ્રિય ક્રોમ બ્રાઉઝરના કોડિંગમાં ફેરફાર કરવા તેનો ઉપયોગ કર્યો હતો. ક્રોમિયમના આશરે ૪ કરોડ લાઈનના વિશાળ કોડબેઝમાંથી જૂના કોડના લગભગ ૬૦ લાખ લાઈનના એક જટિલ ભાગને અલગ કરવાનું પડકારજનક કાર્ય આ મોડલને સોંપવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં સેંકડો ફાઈલોમાં એકસાથે સુધારા કરવાના હતા. માનવીય એન્જિનિયરોને જે કામ પૂર્ણ કરવામાં મહિનાઓનો સમય લાગી શકે તેમ હતો, તે કામ આ એઆઈ મોડલે ગણતરીના અઠવાડિયામાં સચોટતાપૂર્વક પૂરું કરી બતાવ્યું હતું. હાલમાં ડેલોઈટ, એમ્બિયન્સ હેલ્થકેર, લેક્સિસનેક્સિસ અને આઈસોમોર્ફિક લેબ્સ જેવી વિશ્વવિખ્યાત કંપનીઓએ આ મોડલનો વ્યાવસાયિક ઉપયોગ શરૂ કરી દીધો છે.




