ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના એડવોકેટ અશોકસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલી RTIમાં મોટો ઘટસ્ફોટ
માત્ર 47 વિદ્યાર્થીઓ માટે આટલો ખર્ચ કેમ? GeMને બદલે CPP પોર્ટલ પર ટેન્ડર, ઓફલાઈન ભાવ મંગાવી નિયમો નેવે મૂક્યા
- Advertisement -
જે કામ ૩૫ લાખમાં થવાનું હતું તેનો ખર્ચ ૧.૩૫ કરોડે પહોંચાડ્યો: એઈમ્સ પ્રશાસન અને સ્થાનિક નેતાઓ સામે સવાલો
રાજકોટ મહાનગરપાલિકાના કથિત બિલ કૌભાંડ જેવો જ વધુ એક મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં સામે આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એઈમ્સના પ્રથમ બેચના માત્ર ૪૭ જેટલા વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ (દિક્ષાંત સમારોહ) પાછળ તંત્ર દ્વારા રૂપિયા ૧ કરોડ ૩૫ લાખનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો RTI (માહિતી અધિકાર) હેઠળ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના લીગલ એન્ડ હ્યુમન રાઇટ્સ સેલના એડવોકેટ અશોકસિંહ વાઘેલાએ એઈમ્સ પ્રશાસન અને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આશરે ૧૧૦૦ કરોડના ખર્ચે બની રહેલી એઈમ્સ હોસ્પિટલનું ૬ વર્ષ પછી પણ ૩૦ થી ૪૦ ટકા બાંધકામ હજી બાકી છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાયેલો પ્રથમ દીક્ષાંત સમારોહ પોતાના ઓડિટોરિયમમાં યોજવાનો હતો, પરંતુ નિર્ધારિત સમય સુધીમાં ઓડિટોરિયમ તૈયાર ન થતાં આઉટડોર કાર્યક્રમ કરવો પડ્યો હતો. આ કામગીરી માટે જવાબદાર બાંધકામ એજન્સી HSCC અને કોન્ટ્રાક્ટર NKG સામે કોઈ પગલાં લેવાયા નહોતા. શરૂઆતમાં ઈન્ડોર કામગીરી, ડેકોરેશન, લાઈટિંગ અને સ્ટેજ માટે ૩૫ લાખનું ટેન્ડર રાખવામાં આવ્યું હતું, જે પાછળથી કેટેગરી બદલીને જર્મન ડોમ અને મોટા સ્ટેજ સાથે આઉટડોર કરવામાં આવ્યું અને અંતે ખર્ચ વધીને ૧.૩૫ કરોડે પહોંચ્યો હતો.
- Advertisement -
પ્રશાસન પાસે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬થી પૂરતો સમય હોવા છતાં છેલ્લી ઘડીએ લાપરવાહી દાખવીને જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો દુર્વ્યય કરવામાં આવ્યો છે. સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા અને એઈમ્સ વહીવટીતંત્રની બેદરકારીના કારણે જે કામ ૩૫ લાખમાં થઈ શકતું હતું તેનો ખર્ચ ૧.૩૫ કરોડ કરી દેવાયો હોવાનો કોંગ્રેસ લીગલ સેલે આક્ષેપ કર્યો છે. આ સમારંભ સંબંધિત તમામ બિલોની પ્રમાણિત નકલો, બિલ મંજૂર કરનાર સત્તાધીશોના નામ-હોદ્દા તેમજ ટેન્ડર પ્રક્રિયાના ક્વોટેશનોની નકલો RTI હેઠળ માંગવામાં આવી હતી, પરંતુ એઈમ્સ પ્રશાસને RTI એક્ટની કલમ ૮(૧)(ડી)નું ખોટું અર્થઘટન કરીને માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ અને કાર્યક્રમ પૂર્ણ થયાના મહિનાઓ વીતી ગયા પછી પણ બિલો છુપાવવા તે મોટા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે.
એડવોકેટ અશોકસિંહ વાઘેલાએ ટેન્ડર પ્રક્રિયા સવાલ ઉઠાવ્યા
- ટેન્ડરમાં ઓનલાઇન બોલી મંગાવવાને બદલે ઓફલાઇન બંધ કવરમાં ભાવો મંગાવવામાં આવ્યા હતા.
- બંધ કવર ખોલવા માટે કોઈ સત્તાવાર કમિટી બનાવવામાં આવી નહોતી કે ભાવ ખોલતી વખતનું કોઈ વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું ન હતું
- ટેન્ડરની શરતોમાં મનસ્વી સુધારા કરીને નવા વેન્ડરો ભાગ ન લઈ શકે અને જૂના મળતિયા વેન્ડરો સાથે જ ‘કુલડીમાં ગોળ ભાંગી’ શકાય તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી હતી.




