આજી ડેમ ચોકડી પાસે શ્યામકીરણ સોસાયટીમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનો સંયુક્ત દરોડો
એમપીના શખ્સનો વિડીયો જોયા બાદ માહિતી મેળવી પ્રિન્ટર મારફત નોટો છાપતો, પણ વટાવી નો શક્યો
- Advertisement -
રાજકોટના આજીડેમ ચોકડી પાસે આવેલ માંડાડુંગર વિસ્તારમાં રહેતાં અને રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચતા અશિક્ષિત શખ્સે ઘરમાં જ જાલી નોટો છાપવાનું ચાલુ કરી દેતા ચકચાર મચી ગઈ છે આર્થિક ખેંચ અનુભવતો હોઇ નોટો છાપી હોય આ નોટો વટાવે એ પહેલા જ એસઓજીના હાથે પકડાઇ ગયો હતો. તેણે મિત્રને પાંચ હજારની નોટો આપી હતી પરંતુ એ પણ દેખાવે જ નકલી જેવી લાગતી નોટો વટાવી શક્યો નહોતો એમપીના એક શખ્સની ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં તેણે આ જાલી નોટ કેમ છાપવી તેની માહિતી આપી વિડીયો મોકલ્યા હતાં.
રાજકોટમાં જાલી નોટો છાપી બજારમાં રમતી મૂકી દેશની અર્થવ્યવસ્થાને નબળી કરવાના ઇરાદે કામ કરતા શખ્સો ઉપર વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી અને ડીસીબી પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોરની રાહબરી હેઠળ પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમાર, પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજાની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યોગરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે માંડા ડુંગર નજીક શ્યામકિરણ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતો શખ્સ તેના ઘરમાં નકલી ચલણી નોટો છાપે છે આ બાતમી આધારે એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો ઘરમાં હાજર શખ્સને નામ પૂછતાં પોતે કિશન ભુપેન્દ્રભાઇ સોલંકી હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ કરતાં ઘરમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, સીપીયુ, બટર પેપર સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવતાં વધુ તપાસ કરતાં 100 રૂપિયાના દરની 216 નકલી ચલણી નોટો અને 500ના દરની 3 નકલી નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો, સીપીયુ, મોનીટર, બે અલગ અલગ પ્રીન્ટર, લેમીનેટર હીટર મશીન, બટર પેપર, રૂા. ૧૦૦ના દરની પ્રીન્ટાવાળા કાગળો, આધારકાર્ડ, એપલ મોબાઇલ મળી કુલ 65,500નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
આ શખ્સ વિરૂધ્ધ અગાઉ 2018માં તાલુકા પોલીસમાં દારૂનો અને 2022માં એ-ડિવીઝન પોલીસમાં અન્ય એક ગુનો નોંધાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે 2018માં લવમરેજ કર્યા છે. હાલમાં તે રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચે છે. તેણે છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હતો ત્યારે એમપીના દીપકની રીલમાં તે નકલી નોટો બનાવતો હોવાની વિગતો હતી. તેમાં આપેલા નંબર પર ફોન કરતાં તેણે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી ખરીદી લેવા સુચના આપતાં પોતે જુના કોમ્પ્યુટર પ્રિન્ટર તાજેતરમાં લાવ્યો હતો. બાદમાં દિપકને નોટો કેમ બનાવવી તેના વિડીયો મોકલતાં તેના આધારે નોટો છાપી હતી.આ કામગીરીમાં એસઓજીના એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ભરતસિંહ પરમાર, અમરદિપસિંહ વાઘેલા, છત્રપાલસિંહ રાણા, વિરભદ્રસિંહ ગોહિલ, રોહિતસિંહ જાડેજા, અજયસિંહ રાજપૂત, ભાગ્યલક્ષ્મીબા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, ડીસીબીના કૃષ્ણદેવસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ પરમાર, હસમુખભાઇ સબાડ, અનુજભાઇ ડાંગર, અર્જુનભાઇ ડવ સહિતના જોડાયા હતા
- Advertisement -
100ની નોટ વટાવવા ગયો પણ વેપારીને શંકા જતા પરત આવી ગયો
100 રૂપિયાની એક નોટ વટાવવા ગયો હતો પરંતુ દસ રૂપિયાની વસ્તુ ખરીદી સોની નોટ આપતાં દુકાનદારને શંકા જતાં પાછી લઇને આવી ગયો હતો. આ ઉપરાંત તેણે કોઠારીયા ચોકડીએ રહેતાં રિક્ષાચાલક મિત્ર અક્ષયને પણ પાંચેક હજારની નકલી નોટો વટાવવા આપી હતી. પણ તેણે એવુ કહ્યું હતું કે આ નોટને લોકો જોતા જ, હાથમાં લેતાં જ નકલી હોવાનું ઓળખી જાય છે. આથી તે પણ આ નોટ ચલણમાં વહેતી કરી શક્યો નહોતો. દિપકે દસ હજારની નકલી નોટો સામે પોતે ત્રણ હજાર અસલી રૂપિયા આપશે તેવી વાત કરી હતી. પરંતુ ક્યાં કેવી રીતે સંપર્ક કરવો તેની વિગતો આપી નહોતી. કિશન અભણ છે અને માત્ર સહી કરતાં આવડે છે. પોતે ભાડેથી રહેતો હોઇ અને આર્થિક ભીંસમાં હોઇ નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું તે રટણ કરે છે.




