ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. અલગ અલગ પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબીનાં છેવાડાના વિસ્તારમાં આવેલ બોરીયાપાટીના વાડી વિસ્તારના રહીશોએ પાયાની સવલતોના અભાવે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે બોરીયાપાટી વાડી વિસ્તારમાં રહેતા સમસ્ત સતવારા સમાજના રહીશો દ્વારા ચૂંટણી અધિકારી અને મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ મુદ્દે આવેદનપત્રમાં રહીશો દ્વારા જણાવ્યા અનુસાર વોર્ડ નં. 12 ના વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ વિસ્તારમાં સતવારા સમાજની કુલ 21 જેટલી વાડીઓ આવેલી છે અને કુલ 3500 જેટલી વસ્તી આવેલી છે. અહિં બે બુથો અને આશરે 1800 થી 2200 જેટલાં મતદારોનો સમાવેશ થાય છે જેમાં ખેડુતો તેમજ શ્રમિક વર્ગનો સમાવેશ થાય છે. તેઓ વર્ષોથી નિયમિત મતદાન કરે છે.
- Advertisement -
છેલ્લા 20 વર્ષથી તેમના વિસ્તારનો મોરબી નગરપાલીકામાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં પાલીકા દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે તેમણે સરકારી કચેરીઓમાં તેમજ નેતાઓને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેઓને આજ સુધી પ્રાથમિક સુવીધાઓ પ્રાપ્ત થઈ નથી. વધુમાં રહીશોએ કહ્યું હતું કે, તેમણે 2020 ની પેટા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી એ વખતે તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વાયદો લઈને સ્થાનીકથી લઈને રાજ્ય સ્તરના રાજકીય આગેવાનોએ બાંહેધરી લીધી હતી કે ત્રણ જ મહિનામાં કામ ચાલુ થઇ જશે. આ વચનને બે વર્ષ પૂર્ણ થયા છતાં હજુ સુધી સુવિધા પ્રાપ્ત નથી થઈ જેથી તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.