ઓખામાં પણ 6થી 8 દિવસે વિતરણ; ભીમગજા તળાવ અને સાની ડેમ ખાલીખમ થતાં જળસંકટ ઘેરું બન્યું
સીએમની સૂચનાઓ માત્ર કાગળ પરઃ ગ્રામ્ય પંથકમાં પશુઓ માટે પાણી-ઘાસચારાની અછતથી માલધારીઓ પરેશાન
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં નાગરિકોના પાયાના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા અને કલેક્ટરોને વહીવટી તંત્ર સક્રિય કરવા કડક સૂચનાઓ અપાઈ હોવા છતાં, દેવભૂમિ દ્વારકા તાલુકામાં સરકારી આદેશોનો કોઈ
વાસ્તવિક અમલ ન થતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠ્યું છે. જગતપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ૮થી ૧૦ દિવસે અને ઓખા નગરપાલિકા વિસ્તારમાં ૬થી ૮ દિવસે નળ વાટે પાણી આપવામાં આવતું હોવાથી સ્થાનિક રહીશો
અને યાત્રાળુઓને પીવાના પાણી માટે દર-દર ભટકવું પડી રહ્યું છે. ચોમાસું નિષ્ફળ જતાં તાલુકાના જળસ્રોતો તળિયાઝાટક થઈ ગયા છે. તાલુકાનું એકમાત્ર ભીમગજા તળાવ ખાલી પડડ્યું છે અને બે તાલુકાની તરસ છીપાવતો
સાની ડેમ પણ ખાલીખમ છે.
સરકારે ડેમોમાં નર્મદા નીર ભરવાની જાહેરાતો કરી હતી, પરંતુ જમીની સ્તરે કંઈ દેખાતું નથી. ચારેતરફ સમુદ્ર હોવા ઉપરાંત કેમિકલ ઉદ્યોગો અને બરફના કારખાનાઓ દ્વારા ભૂગર્ભમાં છોડાતા ખારા પાણીના કારણે તળના પાણી
પણ ખારાશયુક્ત બની ગયા છે, જેથી સમગ્ર તાલુકાના રહીશોને ઘરવપરાશ માટે પણ મોંઘા ભાવે ટેન્કરનું પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે. શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય પંથકમાં માનવી અને પશુધન માટે પાણી
તેમજ ઘાસચારાની વિકટ કટોકટી સર્જાઈ છે.
ખેડૂતો, ખેતમજૂરો અને ખાસ કરીને માલધારીઓ માટે પશુધનને જીવંત રાખવું અને રોજીરોટી ટકાવી રાખવી અશક્ય બની રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય રસ્તાઓની બિસ્માર હાલત અને સરકારી તથા ગૌચરની જમીનો પરના
કથિત દબાણો સામે પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. મુખ્યમંત્રીની સૂચનાઓ માત્ર કચેરીઓ પૂરતી સીમિત રહી જતાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ વહીવટી તંત્ર ક્યારે સક્રિય થશે અને સામાન્ય પ્રજાને આશ્વાસનોને
બદલે સમયસર પાણી ક્યારે મળશે તે મોટો સવાલ બન્યો છે. ભીમગજા તળાવ અને સાની ડેમ ખાલીખમ રહેતાં જળસંકટ વકર્યું છે; ભૂગર્ભજળ ખારા થઈ જતાં નાગરિકો વેચાતા પાણી પર નિર્ભર બન્યા છે.




