ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રકે સને 1981 થી સને 1984 સુધીમાં ગામ નમુના નં. 6 ની નોંધ નં. 1130 થી 1182 દાખલ થયેલ અને ફરીથી સને 2000 થી સને 2001 સુધીમાં નોંધ નં. 1130 થી 1182 દાખલ થયેલ. આમ, એક જ નંબરની બે હક્કપત્ર નોંધો દાખલ થઈ નિર્ણય થયેલ પરંતુ આ બંને નોંધોના પ્રકાર, દાખલ તથા પ્રમાણિત તારીખ હિત ધરાવનારાઓ તથા અસરકર્તા સર્વે નંબરો તથા નિર્ણયો અલગ-અલગ હોવાથી ખેડૂત ખાતેદારોને તેમની જમીનના ટાઈટલમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. વધુમાં, ગુજરાત સરકાર દ્વારા મેન્યુઅલ હકકપત્ર નોંધો સ્કેન કરાવી ઓનલાઈન કરવામાં આવેલ ત્યારે સોફ્ટવેરમાં એક ગામે એક નંબરની એક જ નોંધ અપલોડ થઈ શકતી હોવાથી બેવડાતી અન્ય નોંધો ઓનલાઈન થઈ ન શકતાં ખાતેદારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. આ બાબતે ગામનાં ખાતેદાર ખેડુતો, આગેવાનો અને સરપંચ દ્વારા મહેસુલી અધિકારીઓ, પદાધિકારીઓને ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી તથા મુખ્યમંત્રીનાં સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી.
મહેસુલી આંટીઘુંટીનો વીસથી વધુ વર્ષો જૂનો અને દસથી વધુ વર્ષોથી રજૂઆતો વાળો આ પ્રશ્ન ગ્રામજનોએ મોરબી ગ્રામ્ય મામલતદાર નીખિલ મહેતાને ધ્યાને મુકતાં તેમણે આ પ્રશ્નમાં અંગત રસ દાખવી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ તથા મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાનું માર્ગદર્શન મેળવી એક જ નંબરવાળી બંને નોંધોની અલગ-અલગ સ્કેન કોપીની એક જ સ્કેન કોપી બનાવી અપલોડ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમ કરવા જતાં એક જ નોંધ નંબરમાં બે અલગ પ્રકારની નોંધોમાં ફેરફારનાં પ્રકારો તથા સર્વે નંબરો સમાવિષ્ટ થતાં હોઈ ભવિષ્યમાં ટાઇટલનો પ્રશ્ન ઉદ્દભવી શકે તેમ હોઈ તેમણે મહેસુલી સુઝ દાખવી એક સરખા નંબરવાળી બે નોંધમાંથી ટાઈટલ ચકાસણી સમયે જે સર્વે નંબરનું ટાઈટલ તપાસવાનું હોય તેને લાગુ પડતી નોંધ ધ્યાને લેવી તે મતલબનો હુકમ કરવા વિગતવાર દરખાસ્ત મોરબી પ્રાંત અધિકારીને મોકલતા તેઓએ પણ અંગત રસ દાખવી ખાતેદારોનાં હિતમાં હુકમ કરી સંબંધિત સર્વે નંબરોનાં ગામ નમુના નંબર-7 માં હુકમી નોંધ દાખલ કરી આપતાં વર્ષો જૂના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું હતું ત્યારે વર્ષો જુનાં પ્રશ્ન બાબતે ટુંક સમયમાં નિરાકરણ થતાં વનાળીયા ગામનાં સરપંચ, ગ્રામ પંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ ગામમાં મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.