કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીડિયો કોન્ફરન્સથી આપ્યું માર્ગદર્શન; જિલ્લા કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી
6 નગરપાલિકા અને રાજકોટ મનપાના વોર્ડ દીઠ અને જિલ્લા પંચાયત બેઠકો પર કાર્યક્રમોનું આયોજનઃ જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક પર 2 કાર્યક્રમો યોજાશે
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતેથી દેશભરના ૯.૩૪ કરોડ ખેડૂતોના ખાતામાં ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ યોજનાના ૨૪મા હપ્તા પેટે કુલ ₹૧૮,૬૮૦ કરોડની રકમ ડી.બી.ટી. (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે સીધી જમા કરાવશે. આ પ્રસંગે રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતની દરેક બેઠક તથા એક જિલ્લાકક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત કુલ ૭૩ સ્થળોએ ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.આ યોજના હેઠળ રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં ₹૧,૦૫૧ કરોડથી વધુની રકમ જમા થશે. બનાસકાંઠા ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય સમારોહનું રાજકોટ જિલ્લાના મુખ્ય મથક ઉપરાંત તમામ એ.પી.એમ.સી., કે.વી.કે., એફ.પી.ઓ. તેમજ ગ્રામ્ય સ્તરે એલ.ઈ.ડી. સ્ક્રીન અને વેબકાસ્ટના માધ્યમથી જીવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) કરવામાં આવશે.
કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં રાજ્યસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમોમાં કૃષિ અને બાગાયત ક્ષેત્રના તજજ્ઞો દ્વારા ખેડૂતોને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા તમામ ખેડૂત ભાઈ-બહેનો, પશુપાલકો અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
- Advertisement -




