વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા પૂર્વ ઈન્ચાર્જ કુલપતિના સન્માનમાં ભવનાથ તળેટી ખાતે વિશેષ આયોજન
૫૦થી વધુ પીએચ.ડી. રિસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહ્યા; ડો. બલરામ ચાવડાની અધ્યક્ષતામાં ગુરુના સંસ્મરણો વાગોળાયા
- Advertisement -
ભવનાથ તળેટીમાં કુદરતના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ડો. જયદીપસિંહ ડોડિયાનો ભાવભીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. કેશોદના શિલોદર જેવા નાના ગામથી આવી અંગ્રેજી ભાષામાં સશક્ત કારકિર્દી બનાવનાર અને ૫૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પીએચ.ડી. કરાવનાર ડો. ડોડિયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમના રિસર્ચ સ્કોલર્સ દ્વારા આ સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સુભાષ મહિલા કોલેજના પ્રિન્સિપાલ અને કાગ એવોર્ડ વિજેતા ડો. બલરામ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ યોગીભાઈ પઢિયાર, ભીમાભાઈ ડાંગર અને ડો. પ્રવીણ ભેડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડો. નરેશ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો. ડો. ફિરોઝ શેખે ડો. ડોડિયાનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે પ્રો. ડો. દિલીપ બારડ, પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રવદન પુરોહિત, ડો. સીમા ગીડા, ડો. શીતલ ઠાકોર, પ્રિન્સિપાલ ડો. દર્શા જાની અને ડો. પ્રવીણ ભેડાએ ડો. ડોડિયા સાથેના સંસ્મરણો વાગોળી તેમની નિઃસ્વાર્થ સેવાભાવનાને બિરદાવી હતી. ડો. રૂપા ડાંગરે પ્રશસ્તિપત્રનું વાચન કર્યું હતું અને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું. પૂર્વ કુલપતિઓ ડો. કમલેશ જોષીપુરા અને ડો. ચેતન ત્રિવેદીના શુભેચ્છા સંદેશનું વાચન ડો. ભાવિશા વ્યાસે કર્યું હતું. પોતાના પ્રતિભાવમાં ડો. જયદીપસિંહ ડોડિયાએ પરિવારની હૂંફ અને વિદ્યાર્થીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. નયન ટાંક અને આભારદર્શન ડો. રાજેશ લાડવાએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રિસર્ચ સ્કોલર્સ અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




