ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજન
ડ્રોન લેબ દ્વારા કૌશલ્ય વિકાસ અને રોજગારીની સુવર્ણ તક: ૨૭ ઓક્ટોબરથી પ્રથમ બેચનો પ્રારંભ
- Advertisement -
આજના આધુનિક યુગમાં ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના યુવાનો, વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા નાગરિકો માટે એક ઉત્તમ તક ઊભી થઈ છે. રાજકોટના માધાપર સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSC) ખાતે ‘ફંડામેન્ટલ્સ ઓફ ડ્રોન મેકિંગ’ વિષય પર પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગરના સહયોગથી સાયન્સ સેન્ટર ખાતે અદ્યતન ‘ડ્રોન લેબ’ શરૂ કરવામાં આવી છે. આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો, મહિલાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓમાં ડ્રોન ટેક્નોલોજી અંગે કૌશલ્ય વિકાસ (Skill Development) કરવાનો અને ડ્રોન મેકિંગ તથા તેના સંચાલન (Operations) થકી રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે.
પાંચ દિવસીય આ તાલીમ કાર્યક્રમ દરમિયાન વિષય નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા અત્યંત સરળ ભાષામાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે, જેમાં એરોડાયનેમિક્સ અને ફ્લાઈટ સિમ્યુલેટરની મૂળભૂત સમજ, ડ્રોનના મુખ્ય ભાગો અને તેનું એસેમ્બલિંગ (જોડાણ), એવિઓનિક્સ, જીપીએસ (GPS) અને ફ્લાઈટ કંટ્રોલરનું વાયરિંગ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, રેડિયો સિસ્ટમ્સ અને કેલિબ્રેશન પ્રક્રિયા, ગુણવત્તા ચકાસણી (Quality Check) અને ફ્લાઈટ ટેસ્ટિંગ વિષયો આવરી લેવાશે. આ તાલીમ મેળવ્યા બાદ તાલીમાર્થીઓ જાતે ડ્રોન એસેમ્બલ કરી શકશે અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનશે.
આ તાલીમ કાર્યક્રમમાં ૧૮ થી ૬૦ વર્ષની વય ધરાવતી કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. ભાગ લેવા માટે ન્યૂનતમ ધોરણ-૧૦ પાસ હોવું ઇચ્છનીય છે. કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો (ઇનોવેટર્સ) તેમજ ડ્રોન ટેક્નોલોજી શીખવામાં રસ ધરાવનાર તમામ નાગરિકો આ વર્કશોપનો લાભ લઈ શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન કુલ પાંચ બેચનું આયોજન કરવામાં આવનાર છે. દરેક બેચમાં ગુણવત્તાયુક્ત તાલીમ સુનિશ્ચિત કરવા માટે માત્ર ૩૦ બેઠકો જ રાખવામાં આવી છે. પ્રથમ બેચનો સમયગાળો ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ રહેશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. આ નિઃશુલ્ક તાલીમ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.




