ભેળસેળિયાઓ અને ગંદકી સામે રાજકોટ મનપાની લાલ આંખ: ફૂડ વિભાગનું સઘન ચેકિંગ
મસાલામાં ઝેરી કેમિકલ કલરની ભેળસેળ: શ્રીનાથજી ટ્રેડર્સ સામે ફોજદારી કાર્યવાહી થશે
- Advertisement -
નાના મવા સ્થિત પ્રમુખમ ઢોસા હબમાંથી 63 કિલો વાસી ખોરાકનો નાશ, વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કેન્ટીનમાં મનપાનું સઘન ચેકિંગ
‘દેવી મદ્રાસ કાફે’માંથી મસાલો-ચટણીના સેમ્પલ લેવાયાઃ 3,000નો દંડ ફટકારાયો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગે હાથ ધરેલા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 48 જેટલી પેઢીઓની તપાસ કરી 662 કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. આ ઉપરાંત અગાઉ લેવાયેલા મસાલાના બે નમૂના લેબોરેટરી રિપોર્ટમાં અનસેફ જાહેર થતાં વેપારી સામે ફોજદારી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. વિજય પ્લોટ-18 ખાતે આવેલી ‘શ્રીનાથજી ટ્રેડર્સ’માંથી લેવાયેલા લૂઝ લાલ મરચાં પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂના લેબ ટેસ્ટિંગમાં ફેઇલ જાહેર થયા છે. મરચાં પાવડરમાં પ્રતિબંધિત પિંક અને ઓરેન્જ કલરની નોન-પરમિટેડ સિન્થેટીક ડાઈ તેમજ મોટા પ્રમાણમાં મકાઈના સ્ટાર્ચ (લોટ)ની ભેળસેળ સામે આવી છે, જેથી આ નમૂનો સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર કરાયો છે. જ્યારે ધાણાજીરું પાવડરમાં પણ પીળી અને વાદળી સિન્થેટીક ડાઈ મળી આવતાં તે અનસેફ જાહેર થયો છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આ પેઢી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરી કડક ફોજદારી પગલાં લેવામાં આવશે.
ચેકિંગ દરમિયાન સાધુ વાસવાણી રોડ પર આઈકોન-2 બિલ્ડિંગમાં આવેલા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ ‘BLINK COMMERCE PVT. LTD.’ (બ્લિન્કિટ)ના સ્ટોર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં કોઈપણ પ્રકારના લેબલ, ઉત્પાદકની વિગત કે ‘યુઝ બાય ડેટ’ વગરનો અંદાજે 596 કિલો પડતર શાકભાજી અને ફળોનો જથ્થો મળી આવતા મનપાની ટીપર વાન દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને અસ્વચ્છતા અને સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ. 10,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. નાના મવા રોડ સ્થિત ‘પ્રમુખમ ઢોસા હબ’માંથી 63 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરી રૂ. 3,000/- નો દંડ ફટકારી સાંભરનો નમૂનો લેવાયો હતો. આ ઉપરાંત સાધુ વાસવાણી રોડ પર ‘દેવી મદ્રાસ કાફે’માંથી મૈસુર ઢોસા મસાલો અને ચટણીના નમૂના લઈ રૂ. 3,000/- નો દંડ વસૂલાયો હતો. મુંજકા વિસ્તારમાં આવેલી હરિવંદના કોલેજ કેન્ટીન તેમજ દ્વારકેશ, ઓમ ગર્લ્સ પી.જી., અર્ચિવ ગર્લ્સ અને શ્રી બોયઝ હોસ્ટેલ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 9 પેઢીઓ પાસેથી રૂ. 20,000/- નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો, 4 શંકાસ્પદ નમૂનાઓ લેબમાં મોકલાયા હતા તથા રામપીર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ, મોટા મવા અને કાલાવડ રોડ પર આવેલી ડેરીઓ, બેકરીઓ, ફરસાણ અને કિરાણા સ્ટોર્સ સહિત કુલ 48 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.




