રાજકારણમાં છ દાયકાથી વધુ સમય સુધી સક્રિય રહેનાર વજુભાઈ વાળાના સંઘર્ષ અને સમર્પણની ગાથા
ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં વાગોળેલા સંસ્મરણોનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે
- Advertisement -
ગુજરાતના રાજકારણમાં છ દાયકાથી વધુ સમય સુધી સક્રિય રહીને અનોખી છાપ છોડનાર વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ એક વિશેષ પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં પોતાનાં બાળપણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથેના જોડાણ, ઇમર્જન્સી દરમિયાનનો સંઘર્ષ, 1995નો બળવો, નરેન્દ્ર મોદી માટે ધારાસભ્ય પદની સીટ છોડવાનો ઐતિહાસિક નિર્ણય તેમજ કર્ણાટકના રાજ્યપાલ તરીકેના દિવસો અંગે વિગતે સંસ્મરણો વાગોળ્યા હતા.
નરેન્દ્ર મોદી માટે બેઠક સમર્પિત કરી
વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા. બંધારણીય જોગવાઈ મુજબ છ મહિનાની અંદર તેમનું ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચવું અનિવાર્ય હતું. તે સમયે વજુભાઈ વાળા રાજકોટ-2 બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા. તેમણે કોઈ પણ ખચકાટ વિના પોતાની બેઠક પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. વજુભાઈ વાળાએ આ નિર્ણય પાછળની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ સીટ વજુભાઈ વાળાની અંગત જાગીર નહોતી પરંતુ ભાજપની હતી. પક્ષના એક વફાદાર સિપાહી તરીકે પાર્ટીના આદેશનું પાલન કરવું એ દરેક કાર્યકર્તાની ફરજ બને છે. રાજકોટની બેઠક જ્ઞાતિવાદથી પર રહીને પક્ષ અને વિચારધારાના આધારે જીતાતી બેઠક હતી. તેમણે તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સમક્ષ સામે ચાલીને પ્રસ્તાવ મૂક્યો હતો કે નરેન્દ્ર મોદી રાજકોટ-2 પરથી ચૂંટણી લડે. જ્યારે તેમણે વિધાનસભા અધ્યક્ષ ધીરુભાઈ શાહ સમક્ષ રાજીનામું સોંપ્યું ત્યારે અધ્યક્ષે ચિંતા વ્યક્ત કરી હતી કે વજુભાઈ વગર ગૃહ કેમ ચાલશે. ત્યારે વજુભાઈએ હસતા મુખે કહ્યું હતું કે, મુસીબતમાંથી રસ્તો કાઢવો એ જ કાર્યકર્તાનું કામ છે અને તેમને મારા કરતાં પણ વધુ મજબૂત ઉમેદવાર મળી રહ્યા છે.
વર્ષ 1975માં ઇમર્જન્સી અને જેલવાસ દરમિયાન નિર્ભય સંઘર્ષ
વજુભાઈ વાળાનું બાળપણ આઝાદીની ચળવળના માહોલમાં વીત્યું હતું અને નવ-દસ વર્ષની વયે તેમણે દેશને સ્વતંત્ર થતો જોયો હતો. બાળપણથી જ સંઘની શાખામાં જતાં તેમનામાં રાષ્ટ્રપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાભાવના સંસ્કારો સિંચાયા હતા. ત્યારબાદ જનસંઘ અને ભાજપમાં જોડાયા પછી સત્તા કે પદ મેળવવાની કોઈ અપેક્ષા રાખ્યા વગર તેમણે સંગઠનનું કાર્ય આગળ ધપાવ્યું હતું. 1975માં જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે ‘મિસા’ (MISA) કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પકડવા આવી ત્યારે તેઓ અગાઉથી બિસ્તરો બાંધીને તૈયાર બેઠા હતા. સાબરમતી જેલમાં તેમને લગભગ સાડા દસ મહિના સુધી કેદ રાખવામાં આવ્યા હતા જેલવાસ દરમિયાન તેમણે કે અન્ય સાથીઓએ કોઈ ગુસ્સો કે વસવસો વ્યક્ત કર્યો નહોતો. કેટલાક અધિકારીઓએ એમ પણ કહ્યું કે જો માફી માંગી લો તો છોડી દઈએ, પરંતુ વજુભાઈ અને તેમના સાથીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જીવ જશે તો પણ માફી નહીં માંગીએ, ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દો. સંઘમાંથી મળેલા સંસ્કારોને કારણે જેલને પણ તેમણે હસતા મુખે સ્વીકારી હતી.
- Advertisement -
1995માં આંતરિક બળવો થયો પરંતુ મનોબળ અડગ રાખીને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ભરી
વર્ષ 1995માં જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર સામે આંતરિક બળવો થયો અને શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યો અલગ થઈ ગયા ત્યારે વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તે અત્યંત નાજુક અને પડકારજનક તબક્કો હતો, જ્યાં કાર્યકર્તાઓ હતાશ થઈ ગયા હતા. આવા મુશ્કેલ સમયમાં વજુભાઈએ મનોબળ અડગ રાખીને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ભરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે લોકો જનાદેશ સાથે દગાખોરી કરે છે તેમને પ્રજા ક્યારેય બીજી વાર સ્વીકારતી નથી. આપણે સત્તા નહોતી ત્યારે પણ પાયાનું કાર્ય કર્યું હતું અને ભવિષ્યમાં પણ પ્રજા આપણી સાથે જ રહેશે. વિધાનસભામાં પણ તેમણે બળવાખોરો સામે ખુમારીપૂર્વક અવાજ ઉઠાવ્યો હતો. આ સમયગાળામાં તેમણે અટલ બિહારી વાજપેયી સાથેના અનુભવો પણ યાદ કર્યા હતા, જેમાં પક્ષના સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપીને સરકારને પુનઃ સ્થિર કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા.
વિધાનસભામાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો અનોખો વિક્રમ
વજુભાઈ વાળાએ ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો અનોખો વિક્રમ સ્થાપ્યો છે. નાણા મંત્રી તરીકે તેમણે બજેટની ફાળવણી માત્ર કાગળ પર ન રહે પરંતુ વાસ્તવિક કામોમાં વપરાય તે માટે કડક આયોજન કર્યું હતું. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિવિધ વિભાગોની સમીક્ષા કરીને વણવપરાયેલી ગ્રાન્ટ સમયસર લોકોના વિકાસકામોમાં વપરાય તેવો નિયમ બનાવ્યો હતો. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે પુનર્વસનની કામગીરી ખૂબ મોટો પડકાર હતી. નાણા મંત્રી તરીકે તેમણે કેન્દ્ર સરકાર, એશિયન ડેવલપમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક પાસેથી આશરે 20,000 કરોડ રૂપિયાનું પેકેજ મેળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ભૂકંપપીડિતો માટે અલગ એકાઉન્ટ રાખીને તમામ નાણાં રહેઠાણ, હોસ્પિટલ અને માળખાકીય સુવિધાઓ માટે વપરાય તે સુનિશ્ચિત કર્યું હતું. ઉપરાંત કચ્છમાં ઉદ્યોગોને વેચાણવેરા અને આવકવેરામાં રાહત આપીને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરાવી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત અને નર્મદાનું આંદોલન
ગુજરાતના સર્વાંગી વિકાસ માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે પ્રથમ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ યોજાઈ ત્યારે વજુભાઈ વાળા તેના ઇન્ચાર્જ હતા. રાજ્યમાં ઉદ્યોગો આવે, સ્થાનિક સ્તરે રોજગારી વધે અને લોકોની ખરીદશક્તિ મજબૂત બને તેવા હેતુ સાથે આ સમિટની શરૂઆત કરાઈ હતી. ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ અને સરકારના સહયોગના કારણે દેશ-વિદેશના મોટા ઉદ્યોગપતિઓ રોકાણ માટે આકર્ષાયા હતા. ગામડાંઓમાં 24 કલાક વીજળી પહોંચાડતી જ્યોતિગ્રામ યોજના, ચેકડેમ નિર્માણ અને ખેતી માટે વીજળીના અલગ ફીડર આપવાની યોજનાઓમાં વહીવટી સ્તરે મજબૂત અમલવારી કરાઈ હતી. નર્મદા ડેમ પર દરવાજા બેસાડવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી આપતી નહોતી ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપવાસ આંદોલન કર્યું હતું, જેમાં રાજ્યના હિત માટે પક્ષ-વિપક્ષથી પર રહીને લડત લડવામાં આવી હતી. પાછળથી કર્ણાટકના રાજ્યપાલ તરીકે પણ તેમણે બંધારણીય મર્યાદાઓમાં રહીને કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાના મામલે તટસ્થતાપૂર્વક મહત્વની ભૂમિકા નિભાવી હતી.




