આગામી 28મીએ કોઠારીયા અને 1લી ઓક્ટોબરે યુનિવર્સિટી રોડ ખાતે કેમ્પનું આયોજન
આધારકાર્ડ, આવકના દાખલા, રેશનકાર્ડ, પેન્શન, આવાસ યોજના સહિતની સેવાઓનો નાગરિકોએ લીધો લાભ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શુક્રવારે વિધાનસભા-૬૮ (પૂર્વ) વિસ્તારમાં મોરબી રોડ સ્થિત સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ ખાતે ૧૨મા તબક્કાનો ‘સેવા સેતુ શહેરી’ કાર્યક્રમ યોજાયો હતો. સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર નાગરિકોને ઘરઆંગણે જ એક જ છત નીચે તમામ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો તાત્કાલિક લાભ મળી રહે તે હેતુથી સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું ઉદ્ઘાટન મેયર ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓને ટોકન સ્વરૂપે વિવિધ સહાય અર્પણ કરાઈ હતી.
મેયર ડૉ. નેહલ શુક્લ અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી આ પહેલથી વહીવટમાં પારદર્શિતા અને ઝડપ આવી છે. સામાન્ય નાગરિકોને પ્રમાણપત્રો કે યોજનાકીય લાભ માટે કચેરીઓમાં ધક્કા ખાવા પડતા નથી, પરંતુ તંત્ર પોતે લોકોના આંગણે પહોંચીને સેવાઓ પૂરી પાડે છે. આ તકે તેમણે ઉપસ્થિત નાગરિકોને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ સાથે જોડાઈ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા પણ અપીલ કરી હતી.કેમ્પ દરમિયાન આધાર નોંધણી તેમજ સુધારા, આયુષ્માન કાર્ડ, રેશનકાર્ડ ઈ-કેવાયસી અને સુધારા, આવક તથા જાતિના દાખલા, દિવ્યાંગતા પ્રમાણપત્ર, લગ્ન અને જન્મ-મરણ નોંધણી, પીએમ આવાસ યોજના, પીએમ સ્વાનિધિ, સુકન્યા સમૃદ્ધિ, વિવિધ સરકારી પેન્શન યોજનાઓ, સીટી બસ કન્સેશન પાસ તથા મનપા સંલગ્ન વેરા અને વોટર-ડ્રેનેજ કનેક્શન જેવી ડઝનબંધ સેવાઓ માટે સ્થળ પર જ અરજીઓ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવી હતી.




