શહેરભરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ, બીજી તરફ વાવડી રોડ પર આડેધડ મેમા આપતા હોવાની ફરિયાદો ઉઠી !
ટ્રાફિકના નામે દંડની આકરી કાર્યવાહી પરંતુ જામના સ્થળે ટ્રાફિક મેનેજમેન્ટ નબળું : સામાન્ય વાહનચાલકોમાં વધતી નારાજગી
- Advertisement -
દંડની કાર્યવાહી એટલી ઝડપથી તો ટ્રાફિક મેનેજમેન્ટ કેમ નહીં?
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને ફરી ચર્ચા તેજ બની છે. શહેરના અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો અને કલાકો સુધીના ટ્રાફિકજામના દૃશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના વિવિધ
વિસ્તારોમાં વાહનચાલકોને રોકી મેમા અને દંડની કાર્યવાહી થતી હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. એક જ સમયગાળામાં ક્યાંક ટ્રાફિકમાં ફસાયેલા લોકો અને ક્યાંક દંડની કાર્યવાહી—ટ્રાફિક પોલીસની કામગીરીની પ્રાથમિકતા
સામે હવે નાગરિકોમાં નારાજગી વધી રહી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું સૌની જવાબદારી છે અને ગંભીર નિયમભંગ સામે કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ સામાન્ય વાહનચાલકોને વારંવાર રોકી નાના-મોટા નિયમભંગના
નામે દંડ ફટકારવામાં આવે અને બીજી તરફ ટ્રાફિક જામ, ભારે વાહનોની અવરજવર તથા પાર્કિંગ જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત રહે તો ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.
બુધવારે સાંજે આશરે ૭ વાગ્યાના સમયે રાજકોટના બીગબજાર, અમીન માર્ગ, એસ્ટ્રોન ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ, નાણાવટી ચોક સહિત અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વાહનોની લાંબી કતારો
અને ટ્રાફિકમાં ફસાયેલા લોકોના ફોટા પણ સામે આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર લોકો ટ્રાફિકમાંથી બહાર નીકળવા પરેશાન હતા ત્યારે બીજી તરફ વાવડી રોડ પર કાંગાસાયલી ચોકડી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા
વાહનચાલકોને રોકી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. એક જ સમયે શહેરના અનેક મહત્વના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલી હોય અને બીજી તરફ પોલીસ ચેકિંગ તથા દંડ વસૂલાતમાં વ્યસ્ત જોવા મળે તો
ટ્રાફિક પોલીસની પ્રાથમિકતા અને માનવબળની ફાળવણી અંગે ચર્ચા થવી સ્વાભાવિક છે.
- Advertisement -
શહેરના છેવાડાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળો પર એકસાથે ૪-૫ TRB/બ્રિગેડિયર ટ જવાનોના ટોળાઓ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવતું હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. બીજી તરફ શહેરના ટ્રાફિકથી ધમધમતા
વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી હાજરી ન હોવાની ફરિયાદો છે. વાહન રોકવા માટે જો માનવબળ ઉપલબ્ધ છે તો ટ્રાફિક હટાવવા અને વાહનવ્યવહાર સુચારૂ બનાવવા માટે પણ એ જ માનવબળનો અસરકારક ઉપયોગ
થવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
“ટાર્ગેટ”ની ચર્ચા વચ્ચે સામાન્ય માણસની મુશ્કેલી
ટ્રાફિક દંડની સંખ્યા અને વસૂલાતને લઈને લોકોમાં એવી ચર્ચા છે કે શું કાર્યવાહી કોઈ ટાર્ગેટ આધારિત છે? સામાન્ય માણસ માટે આ માત્ર મેમો નથી. રોજિંદા કામ માટે વાહન ચલાવતા નાના વેપારી, નોકરીયાત, રિક્ષાચાલક કે
મધ્યમવર્ગીય પરિવાર માટે એક દંડ પણ મહિનાના બજેટને અસર કરી શકે છે. નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ દંડને ટ્રાફિક શિસ્તનું અંતિમ સાધન બનાવવાને બદલે સમજણ અને જાગૃતિને પણ એટલું જ મહત્વ
આપવું જરૂરી છે.
ટ્રાફિક પોલીસનો હેતુ મેમો વધારવાનો નહીં, અકસ્માત અને જામ ઘટાડવાનો હોવો જોઈએ
ટ્રાફિક વ્યવસ્થાની સફળતા કેટલા મેમા ફાટ્યા કે કેટલો દંડ વસૂલાયો તેના કરતાં શહેરમાં ટ્રાફિકજામ કેટલો ઘટ્યો, અકસ્માતો કેટલા ઓછા થયા અને સામાન્ય નાગરિકની અવરજવર કેટલી સરળ બની તેના આધારે નક્કી થવી
જોઈએ. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ઈમાનદાર કર્મચારીઓની કામગીરીને બિરદાવતા, જ્યાં કાર્યપદ્ધતિ અંગે ફરિયાદો છે ત્યાં ઉચ્ચ અધિકારીઓએ તેની સમીક્ષા કરવી પણ જરૂરી છે. રાજકોટમાં નિયમભંગ સામે કાર્યવાહી
ચાલુ રહે, પરંતુ સાથે ટ્રાફિક મેનેજમેન્ટને પ્રથમ પ્રાથમિકતા મળે દંડના ભયથી નહીં, શિસ્ત અને જાગૃતિથી રાજકોટની ટ્રાફિક વ્યવસ્થા સુધરે તે હવે સમયની માંગ છે.




