મકાનોમાં કમર સુધીના પાણી, શેરીમાં નદીઓ વહી : વલસાડમાં NDRFની ટીમ તૈનાત
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં ૧૩ ઈંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે. રાજકોટના ઉપલેટાના વેણુ-૨ ડેમના બે દરવાજા ૦.૩ મીટર ખોલવાની ફરજ પડી હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા ૧.૫ મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી. કડી શહેરમાં રાત્રે ૨ વાગ્યાના સુમારે વાવાઝોડુત્રને વીજળીના કડાકા સાથે માત્ર બે જ કલાકના આશરે ૮ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. ૨૫થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતાં.
આજે સવારથી જ મોટા ભાગના જિલ્લાઓમાં ૧૦ વાગ્યા સુધીમાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં બે ૮થી ૧૦ વાગ્યાના બે કલાકમાં ૮ ઈંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા અને રોડ પર નદીઓ વહી છે. વલસાડમાં ૬.૧૦ ઈંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું છે અને ગઉછરાની ટીમ તૈનાત કરવામાં આવી છે. સુત્રાપાડામાં પણ મકાનો ડૂબેલા જોવા મળી રહ્યાં છે. આજે પણ ૧૯ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
રાજય પર એક સાથે પાંચ-પાંચ સિસ્ટમ સક્રિય
રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




