કરોડોના ખર્ચે નવીનીકરણ પામેલો સીસી રોડ છેલ્લા અંદાજે બે મહિનાથી સંપૂર્ણ તૈયાર હતો છતાં બંધ રાખવામાં આવ્યો હતો
અમારા વિરોધની ચીમકીથી સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા અને તાબડતોબ બેરીકેટ્સ હટાવ્યા: રોહિતસિંહ રાજપૂત
- Advertisement -
કહેવત છે કે “ચમત્કાર વિના નમસ્કાર નહીં”, અને આ કહેવત રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિપક્ષે સાબિત કરી બતાવી છે. છેલ્લા બે મહિનાથી બનીને તૈયાર હોવા છતાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે બંધ રાખવામાં આવેલો નવનિર્મિત સીસી રોડ, કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની ચીમકી મળતા જ ગણતરીના કલાકોમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે નવીનીકરણ પામેલો સીસી રોડ છેલ્લા અંદાજે બે મહિનાથી સંપૂર્ણ તૈયાર હતો. આમ છતાં, યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તેના પર બેરીકેટ્સ લગાવીને રાહદારીઓ અને વાહનચાલકો માટે તે બંધ રાખવામાં આવ્યો હતો. આ લાંબા સમયના વિલંબ સામે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત અને અન્ય વિદ્યાર્થી કાર્યકરો દ્વારા એક પ્રતીકાત્મક વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ વિરોધ પ્રદર્શન શરૂ થવાના બરાબર એક કલાક પહેલાં જ યુનિવર્સિટી તંત્રને આંદોલનની ગંધ આવી ગઈ હતી. પરિણામે, ઉતાવળમાં અધિકારીઓએ રસ્તા પરથી બેરીકેટ્સ દૂર કરાવી માર્ગ ખુલ્લો કરી દીધો હતો. વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અદ્યતન રોડ તૈયાર હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નહોતું. પરંતુ કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ જનહિતમાં જેવા વિરોધની જાહેરાત કરી, કે અચાનક સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા અને તાબડતોબ બેરીકેટ્સ દૂર કરવાનો નિર્ણય લીધો છે.
હજારો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ વેઠતા હતા હાલાકી
- Advertisement -
છેલ્લા ઘણા વર્ષોથી આ રસ્તા પર મોટા-મોટા ખાડા સામ્રાજ્ય હતું. જેના કારણે યુનિવર્સિટીમાં આવતા હજારો વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને રોજિંદા મુલાકાતીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અકસ્માતનો ભય સતત રહેતો હતો. તંત્ર દ્વારા નવો સીસી રોડ બનાવવાનો નિર્ણય આવકાર્ય હતો, પરંતુ રોડ બન્યા પછી પણ તેને મહિનાઓ સુધી બંધ રાખવો કોઈ કાળે વ્યાજબી નહોતો.




