શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક યુવાન ભગવાનની વિવિધ પ્રકારે ઓળખ આપતા કોઈ ગ્રંથનો અભ્યાસ કરી રહ્યો હતો. આ ગ્રંથમાં ભગવાનનો પરિચય આપતું એક વાક્ય એણે વાંચ્યું, પરમાત્મા ચાંદીને શુદ્ધ કરનારની ભૂમિકા ભજવે છે. આ વાક્ય પેલા યુવાનને સમજાયું નહીં. એ વિચારવા લાગ્યો કે, ભગવાનને અને ચાંદી શુદ્ધ કરનારને વળી શું સંબંધ ?
- Advertisement -
એણે વિચાર્યું કે, હું ચાંદી શુદ્ધ કરનાર વ્યક્તિને મળીને જ આ સમજવાનો પ્રયાસ કરું. યુવાન ચાંદીકામ કરનાર વ્યક્તિને રૂબરૂ મળ્યો અને ચાંદીની શુદ્ધિકરણની પ્રક્રિયા વિશે એ માણસ સાથે વાતો કરી. પેલા માણસે ચાંદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા સમજાવતા કહ્યું, જુઓ ભાઈ, ચાંદીને શુદ્ધ કરવી હોય તો એને બરાબર પકડીને ચોક્કસ સમય સુધી આગમાં તપાવવી પડે અને આ આકરા તાપને કારણે ચાંદીની સાથે જે અશુદ્ધિઓ હોય, એ બધી જ નાશ પામે અને માત્ર શુદ્ધ ચાંદી બચે.
યુવાને ઉત્સુકતાથી પૂછ્યું, તો તો તમારે ચાંદીને જેટલો સમય આગમાં તપાવવાની હોય એટલો સમય ચાંદીને પકડીને માત્ર બેસી જ રહેવાનું હોય ને? પેલા ભાઈએ કહ્યું, ના, માત્ર બેસી રહીએ તો ન ચાલે. સતત ચાંદી પર અને અગ્નિ પર નજર રાખવી પડે. કારણ કે જો જરૂર કરતા થોડી વધુ અગ્નિ અપાઈ જાય કે પછી થોડો વધુ સમય થાય તો પછી અશુદ્ધિઓની સાથે સાથે ચાંદી પણ નાશ પામે.
યુવાને આ ચાંદીકામ કરનારને પૂછ્યું, ભાઈ પણ તમને ખબર કેમ પડે કે ચાંદી હવે શુદ્ધ થઈ ગઈ છે, અને બધી જ અશુદ્ધિઓ બળી ગઈ છે ? ચાંદીકામ કરનાર હસતાં હસતાં બોલ્યો, અરે, એ તો બહુ જ સહેલું છે. ચાંદી જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે મને મારું પોતાનું પ્રતિબિંબ એમાં દેખાય. જો આજે આપ કોઈ આકરા તાપમાં તપી રહ્યા હોય તો સમજજો કે તમે ભગવાનના હાથમાં છો. એની નજર તમારા પર જ છે. એ તમને ત્યાં સુધી તાપમાં તપાવતા તપાવતા પકડીને જોયા કરશે કે જયાં સુધી તમારામાં એને એનું પ્રતિબિંબ ન દેખાય.
- Advertisement -
તારા મનના માનેલા બધાં જ ધર્મોને છોડીને કેવળ મારા શરણે આવી જા, હું તને બધાં પાપોથી મુક્ત કરીને તને મોક્ષની ભેટ આપીશ.- શ્રીમદ્ ભગવદ્ ગીતા




